અમદાવાદ : અમદાવાદ શહેરમાં સતત વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને અસ્તવ્યસ્ત પાર્કિંગને નિયંત્રિત કરવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં આવેલા તમામ ઓન-સ્ટ્રીટ, ઓફ-સ્ટ્રીટ તેમજ મલ્ટી-લેવલ પે-એન્ડ-પાર્કિંગ પ્લાઝાના ભાડામાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું કે, બુધવારે મળેલી કમિટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પાર્કિંગના ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. ઓન રોડ અને ઓફ રોડ સ્ટ્રીટ પાર્કિંગ, મલ્ટી લેવલ પાર્કિંગ સહિતની જગ્યાઓ પર પાર્કિંગ ચાર્જમાં ટુ વ્હીલર માટેના ચાર્જમાં કમિશનર તરફથી મૂકવામાં આવેલા ચાર્જમાં સુધારો કરીને તમામ નવા દરને મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડની આખરી મંજૂરી મળ્યા બાદ આ નવા દરો સમગ્ર શહેરમાં અમલી બનશે.
શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જ્યાં પણ ખાલી પ્લોટ છે, ત્યાં તમામ જગ્યાએ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. સૌપ્રથમ જે પ્લોટ ખાલી છે ત્યાં લોકો મફતમાં વાહનો મૂકી શકે છે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જોકે પે એન્ડ પાર્કમાં કોર્પોરેશન દ્વારા હવે પાર્કિંગના ચાર્જમાં વધારો કરવામાં આવતા લોકો દ્વારા પાર્કિંગ ઓછું કરવામાં આવી શકે છે.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા શરૂઆતમાં વધુ દરોની ભલામણ કરવામાં આવી હતી, પરંતુ નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને ટાઉન પ્લાનિંગ કમિટીએ લાંબા સમયના પાર્કિંગ માટે થોડી રાહત આપીને આ દરો નક્કી કર્યા છે.
ટુ-વ્હીલર (બાઇક / સ્કૂટર) માટેના દરો
પ્રથમ 1 કલાક સુધી: રૂ 10
1 થી 3 કલાક: રૂ 15
3 થી 6 કલાક: રૂ 25
6 થી 12 કલાક: રૂ 40
12 થી 24 કલાક: રૂ 55
ફોર-વ્હીલર (કાર / ફોર વ્હીલર) માટેના દરો
પ્રથમ 1 કલાક સુધી: રૂ 20
1 થી 3 કલાક: રૂ 40
3 થી 6 કલાક: રૂ 80
6 થી 12 કલાક: રૂ 120
12 થી 24 કલાક: રૂ 170


