અમદાવાદ : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તબીબોએ અદભૂત કુશળતા અને સમયસૂચકતા દાખવીને એક ગંભીર કિસ્સામાં ૩ વર્ષીય માસૂમ બાળકીનો જીવ બચાવી લીધો છે.અમદાવાદ સિવિલ પહોંચેલી આ બાળકીની જટિલ સર્જરી પિડિયાટ્રિક સર્જરી વિભાગની નિષ્ણાત ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી, જેમાં સમયસરની સારવારને કારણે બાળકીનો જીવનભરનો ખતરો ટળી ગયો હતો અને હાલ તેની તબિયત સ્થિર છે.
રિપોર્ટ મુજબ, કચ્છના મૂળ શ્રમિક પરિવારની ત્રણ વર્ષની પુત્રીને રમત-રમતમાં અકસ્માતે છાતીના ભાગમાં કાતર ઘૂસી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. 29 ઓક્ટોબરના રોજ સવારે આશરે 11 વાગ્યાની આસપાસ બાળકી તેના પાંચ વર્ષના ભાઈ સાથે રમી રહી હતી, તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. શરૂઆતમાં બાળકીને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું.અને વધુ સારવારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 29 ઓક્ટોબરની રાત્રે આશરે 10 વાગ્યે બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.
બાળકી સિવિલ હોસ્પિટલ પહોંચતા જ ઇમરજન્સી મેડિકલ ટીમે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તમામ જરૂરી પ્રાથમિક પ્રક્રિયાઓ પૂર્ણ કરી તેને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં સર્જરી માટે લઈ લીધી હતી.પેડિયાટ્રિક સર્જરી વિભાગના પ્રોફેસર અને વડા ડૉ. રાકેશ જોષીના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કાશ્વી અને ડૉ. મૃણાલિની સહિત એનેસ્થેટિસ્ટ તથા અન્ય તબીબોની ટીમે સફળતાપૂર્વક ઓપરેશન કરીને બાળકીની છાતીમાં ઘૂસેલી કાતર બહાર કાઢી હતી. ઓપરેશન બાદ બાળકીની તબિયત હાલ સ્થિર છે અને તેને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
કાતર હાડકાને આરપાર ન જતા મોટી દુર્ઘટના ટળી તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કાતર જો એક ઇંચ પણ ઉપર કે બાજુની તરફ ગઈ હોત તો શ્વાસનળી અથવા ફેફસાંને ગંભીર ઈજા પહોંચી શકી હોત. આ ઉપરાંત બે પાંસળીઓ વચ્ચેની જગ્યાએ ઈજા થવાથી ભારે રક્તસ્ત્રાવ થવાની પણ શક્યતા હતી. બાળકીની ઉંમર નાની હોવાને કારણે કાતરનો ઘા હાડકાને પાર કરી શક્યો નહોતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જો કાતર હાડકાને પાર કરીને વધુ અંદર ગઈ હોત તો ધોરી નસો અને શ્વાસનળીને ગંભીર નુકસાન પહોંચી શક્યું હોત.
આ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે વાલીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના બાળકો શેનાથી રમે છે. બાળકો શું કરે છે તેના પર તેમણે સતત નજર રાખવી જોઈએ. 5 વર્ષના બાળકને અજાણતા ખબર ન હોય કે આવી વસ્તુઓથી કેટલી હાનિ થઈ શકે છે. બાળકને અચાનક શ્વાસ લેવામાં તકલીફ જણાય તો સત્વરે તબીબી માર્ગદર્શન મેળવવું જોઈએ.


