અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર આરોગ્યના હિતમાં ફૂડ સેફ્ટી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. હેલ્થ ફૂડ વિભાગની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું સંગ્રહ, ઉત્પાદન તથા વેચાણ કરતા એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી, જેના ભાગરૂપે નિયમોનું ઉલ્લંઘન કરતા 2 ખાદ્ય ઉત્પાદન એકમો સામે સીલિંગ સહિતની કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
રિપોર્ટ મુજબ, AMCની કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગની ટીમે માધવપુરાના ગંજ બજારની સામે આવેલા ગાયત્રી ચવાણા માર્ટમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે FSSAIનું લાઇસન્સ કે રજિસ્ટ્રેશન વગર ધંધો થતો હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત એકમોમાં કામ કરતા કારીગરો ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમો મુજબ કેપ, એપ્રન, માસ્ક અને હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરતા ન હતા. સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવા માટેની જોગવાઈઓનું પણ પાલન થતું ન હોવાનું તપાસમાં જણાયું હતું.
બીજી તરફ, સરખેજના ઉજાલા સર્કલ પાસે આવેલા સૌરાષ્ટ્ર ભજીયા એન્ડ ગાંઠિયા એકમની તપાસમાં ફરસાણ તળવા માટે ઉપયોગમાં લેવાતા તેલનો TPC 25 ટકાથી વધુ હોવાનું સામે આવ્યું હતું. ખાદ્ય પદાર્થો તળવા માટે વપરાતા તેલની ગુણવત્તા તપાસમાં આ એકમમાં નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. આ ઉપરાંત વપરાશ બાદ વધેલા તેલના યોગ્ય નિકાલ માટે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એજન્સી સાથે કરાર પણ કરવામાં આવ્યો ન હતો. એકમમાં FSSAIનું લાઇસન્સ કે રજિસ્ટ્રેશન ન હોવા ઉપરાંત કારીગરો દ્વારા સ્વચ્છતાનાં જરૂરી સાધનોનો ઉપયોગ થતો ન હોવાથી તેને સીલ કરવામાં આવ્યું હતું.
દિવાળીના તહેવારો પૂર્વે અમદાવાદ શહેરમાં મિઠાઈ તથા ફરસાણની માંગમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા શહેરના તમામ મીઠાઈ-ફરસાણ ઉત્પાદકો, પેકેજ્ડ ફૂડ ઉત્પાદકો તથા અન્ય ખાદ્ય વેપારીઓને ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.
AMC હેલ્થ ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું કે, દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોના જાહેર આરોગ્યની સુરક્ષા જાળવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતા એકમો ખાતે તપાસની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે. તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે કાયદાકીય જોગવાઈઓ અનુસાર ભારે દંડથી લઈને સીલ કરવા સુધીની આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવશે.


