અમદાવાદ : દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગે શહેરમાં ખાદ્યપદાર્થોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ સાથે સંકળાયેલા એકમોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. તપાસ દરમિયાન તળવા માટે વપરાતા તેલમાં TPCનું પ્રમાણ 27.5 જણાતા નારણપુરાની ભજીયા-પકોડાની દુકાન સીલ કરવામાં આવી. સોસના ત્રણ નમૂના અપ્રમાણિત જાહેર થતાં વટવાનું ભારત ફૂડ એકમ પણ સીલ કરાયું હતું.
રિપોર્ટ મુજબ, શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા પલીયડનગરમાં ભજીયા પકોડા નામની દુકાનમાં ફૂડ વિભાગની ટીમે ચેકિંગ કર્યું હતું જેમાં ખાદ્ય પદાર્થો તરવા માટે જે તેલનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં TPCનું પ્રમાણ ખૂબ વધારે હતું જેના પગલે એને સીલ કરવામાં આવ્યું છે જ્યારે વટવાની નીલકંઠ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભારત ફૂડમાંથી લેવામાં આવેલા ત્રણ સોસના નમુના અપ્રમાણિત જાહેર થયા હતા જેના પગલે તેને પણ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

દિવાળીને ધ્યાનમાં રાખી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 18 એકમોમાંથી કુલ 23 નમૂના લેવાયા છે. તેમાં દૂધનો હલવો, બેસન, શક્કરપારા, મિલ્ક કેક, બરફી, બેસનના લાડુ, કાજુ કતરી, સાદા મૈસૂર, મગજ, કાજુ કલશ, હલવો, ટ્રેડિશનલ સ્વીટ, દાબેલી, ધારી, પેંડા, ટોપરાપાક, મોહનથાળ, ચવાણું, મીઠો માવો અને દાળમૂઠનો સમાવેશ થાય છે. નમૂના લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાયા છે. અહેવાલ મળ્યા બાદ તારણો અનુસાર સંબંધિત એકમો સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગ્રાહકો પોતે ખાદ્યપદાર્થોની પ્રાથમિક ગુણવત્તા ચકાસી શકે તે માટે મીઠાઈ-ફરસાણના એકમોમાં ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ છે કે નહીં તેની તપાસ થઈ હતી. નીચેના ચાર એકમોમાં કિટ ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું.

જોધપુરમાં અંબિકા સ્વીટ અને ફરસાણ, વસ્ત્રાલમાં ગોપી ડેરી એન્ડ સ્વીટ, નરોડામાં અંબિકા સ્વીટ અને ફરસાણ, નારણપુરામાં પંજરી મીઠાઈ- આ ચારેય એકમો પાસેથી કુલ 40 હજાર રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો.


