અમદાવાદ : અમદાવાદ શહેર શિક્ષણ વિભાગ દિલ્હીની એક હોટલમાં સર્જાયેલી આગની ભયાનક દુર્ઘટના બાદ સફાળું જાગ્યું છે.ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ 8 જૂનના રોજથી સમગ્ર રાજ્યની સાથે અમદાવાદની તમામ શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાઓને ફાયર સેફ્ટી અંગે કડક આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તેમની ટીમને સરપ્રાઈઝ ચેકિંગ કરવાની સૂચના આપી છે. શહેરની તમામ શાળાઓ પાસે ફાયર NOC તો છે. પરંતુ ફાયર સેફ્ટીના સાધનો ચાલુ હાલતમાં છે કે પછી બંધ હાલતમાં તેની ચકાસણી કરવામાં આવશે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરી રિપોર્ટ તૈયાર કરી DEOને સોંપવામાં આવશે. સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન જો કોઈ શાળાની બેદરકારી સામે આવશે અથવા ફાયર સેફ્ટીના ઉપકરણો બંધ હાલતમાં હશે તો તેના સામે કડક કાર્યવાહી પણ થઈ શકે છે.
શિક્ષણ વિભાગ માત્ર કાગળ પર સૂચનાઓ આપીને સંતોષ નહીં માને, પરંતુ તેના સખત અમલીકરણ માટે DEO દ્વારા ખાસ ટીમો તૈયાર કરવામાં આવી છે. શાળાઓ શરૂ થતાં જ આ ટીમો ગમે ત્યારે અલગ-અલગ શાળાઓમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરશે. જો કોઈ શાળામાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન જણાશે અથવા બેદરકારી સામે આવશે તો તેમની સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે.
અમદાવાદ શહેરમાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે. મોટાભાગે ઈલેક્ટ્રીક ઉપકરણમાં શોર્ટ સર્કિટના કારણે અથવા અસહ્ય ગરમીના કારણે એસી સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણોમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. શાળાઓમાં એસી અને કોમ્પ્યુટર સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણનો ઉપયોગ વધારે થતો હોય છે. જેથી શાળાઓમાં આગ લાગવાની કોઈ ઘટના ન બને અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને શાળાઓને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાને સર્વોપરી ગણીને કોઈ અનિચ્છનીય કે અપ્રિય ઘટના ન બને તે માટે અત્યારથી જ પૂરતી સાવચેતી રાખવા શાળા પ્રશાસનને કડક તાકીદ કરી દેવામાં આવી છે.


