અમદાવાદ : એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ કોલેજ દ્વારા ઓડિટોરિયમ ખાતે ભાવવિભોર શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શોક, સંવેદના અને માનવતાની લાગણીઓનું એવું દૃશ્ય સર્જાયું હતું કે ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ કોલેજ દ્વારા ઓડિટોરિયમ ખાતે યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 260 દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. સ્વજનો, તબીબો, નર્સિંગ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને હોસ્પિટલ પરિવારના સભ્યોએ દિવંગતોને યાદ કરીને પ્રાર્થના કરી હતી. સમગ્ર ઓડિટોરિયમમાં એક ગહન શાંતિ અને સંવેદનાનો માહોલ છવાઈ ગયો હતો.
કાર્યક્રમની વિશેષતા તરીકે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 260 લોકોની સ્મૃતિમાં 260 વૃક્ષો રોપવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. વૃક્ષારોપણ દ્વારા દિવંગતોની યાદને જીવંત રાખવાનો અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ ઉપરાંત માનવતાના પ્રતિકરૂપે આયોજિત રક્તદાન અભિયાનમાં 325થી વધુ લોકોએ રક્તદાન કરીને દુર્ઘટનાના ભોગ બનેલા આત્માઓને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. રક્તદાતાઓએ જણાવ્યું હતું કે, જીવન બચાવતી આ સેવા દ્વારા તેઓ દુર્ઘટનાના પીડિતોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.
વક્તાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સ્વજનોને ગુમાવ્યાનું દુઃખ ક્યારેય ભૂંસી શકાતું નથી, પરંતુ તેમની સ્મૃતિને સેવા, સંવેદના અને સમાજહિતના કાર્યો દ્વારા અમર બનાવી શકાય છે. વૃક્ષારોપણ અને રક્તદાન જેવા ઉપક્રમો એ જ સંદેશને આગળ ધપાવે છે.કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને આવી દુર્ઘટના ફરી ક્યારેય ન સર્જાય તેવી કામના વ્યક્ત કરી હતી. શોક અને સંવેદનાથી ભરાયેલા આ કાર્યક્રમમાં માનવતાનો સ્પર્શ દરેક પળે અનુભવાયો હતો.
260 વૃક્ષો, 325થી વધુ રક્તદાન અને સેવાના સંકલ્પ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ કોલેજે એર ઈન્ડિયા દુર્ઘટનાના 260 દિવંગત આત્માઓને અનોખી અને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


