અમદાવાદ : અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બી. જે. મેડિકલ કોલેજમાં રેગિંગની શરમજનક ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા જુનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ સાથે સિનિયરો દ્વારા માનસિક અને શારીરિક હેરાનગતિ કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. જુનિયર વિદ્યાર્થીઓએ હિંમત દાખવીને આ અંગે એન્ટી રેગિંગ કમિટી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.
રિપોર્ટ મુજબ, અમદાવાદની બી જે મેડિકલ કોલેજમાં 8 જૂનના રોજ ઓર્થોપેડિક વિભાગના 3 સિનિયર ડોક્ટરો દ્વારા પ્રથમ વર્ષના જુનિયર ડોક્ટરનું રેગિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ જુનિયર ડોક્ટર દ્વારા તંત્રને ફરિયાદ કરવામાં આવતા તપાસ કરવામાં આવી હતી. એન્ટી રેગિંગ કમિટીની તપાસ બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જે બાદ રિપોર્ટ આરોગ્ય વિભાગને સોંપવામાં આવ્યો હતો.
રેગિંગ કમિટી દ્વારા આરોગ્ય વિભાગને પગલા લેવા રિપોર્ટ કરાયો હતો. એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટ બાદ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના આદેશ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ઓર્થોપેડિક વિભાગના 3 વિદ્યાર્થીઓને 6 મહિનાથી 1 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રેગિંગની ફરિયાદને લઈને સરકાર અને આરોગ્ય વિભાગે ગંભીરતાથી લીધી છે. વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત અને ભયમુક્ત શૈક્ષણિક વાતાવરણ જાળવવા માટે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. રેગિંગ જેવી અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવા વિદ્યાર્થીઓને અપીલ પણ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સંવેદના અને સહકારની ભાવના સાથે આગળ વધવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરી છે.


