અમદાવાદ : અમદાવાદનાં સુભાષ બ્રિજ RTO ખાતે જૂની સેન્સર સિસ્ટમની જગ્યાએ નવો AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યો છે. આ નવી ટેકનોલોજીનાં પહેલાં જ દિવસે ટેસ્ટ આપનારા ઉમેદવારોમાં નાપાસ થવાનું પ્રમાણ ઘણું ઊંચું રહ્યું હતું.પહેલાં દિવસે લેવાયેલાં આકરા ટેસ્ટમાં ટુ-વ્હીલરના લગભગ 50 ટકા ઉમેદવારો નાપાસ થયાં હતાં, જ્યારે કાર ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારાં તમામ 5 ઉમેદવારો ફેઈલ થયાં હતાં.
રિપોર્ટ મુજબ, RTO અધિકારીએ જણાવ્યું કે, નવી AI ટેક્નોલોજીની ચકાસણી કરવા માટે પહેલાં દિવસે પ્રાયોગિક ધોરણે માત્ર 30 એપોઇન્ટમેન્ટ જ આપવામાં આવી હતી.ટેકનિકલ ખામીઓ સુધારીને આગામી એક અઠવાડિયા સુધી મર્યાદિત સ્લોટ રાખવામાં આવશે અને ત્યારબાદ ધીમે-ધીમે તેની સંખ્યા વધારાશે. આ ટેસ્ટમાં નાપાસ થનારાં ઉમેદવારો એક અઠવાડિયા પછી ફરીથી ટેસ્ટ આપી શકશે.
નવી AI સિસ્ટમમાં ટેસ્ટ પાસ કરવા માટે ખૂબ જ કડક નિયમો અને સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ ટેસ્ટ આપતાં પહેલાં ફરજિયાત વીડિયો તાલીમ જોવી પડે છે.ત્યારબાદ, ટુ-વ્હીલરે 60 સેકન્ડમાં વાંકાચૂંકા રસ્તાનો ટેસ્ટ પૂરો કરવો પડે છે, જ્યારે કાર ચાલકોએ રિવર્સ એસ, આઠ આકારનો ટ્રેક, પેરેલલ પાર્કિંગ અને ઢાળ ચડાવવા જેવા ચાર તબક્કા નિર્ધારિત સેકન્ડોમાં પૂરા કરવા પડે છે.
અધિકારીનાં જણાવ્યાં મુજબ, મોટાભાગનાં ઉમેદવારો એટલે નાપાસ થયાં કારણ કે તેઓએ ફરજિયાત વીડિયો તાલીમ ધ્યાનથી જોઈ ન હતી અને સ્ટોપ લાઇન પર વાહન ન રોકવા જેવાં ટ્રાફિકના સામાન્ય નિયમોનો ભંગ કર્યો હતો.
નવી AI સિસ્ટમ ખૂબ જ સચોટ અને પારદર્શક હોવાથી, ઉમેદવારોને પૂરતી પ્રેકિ્ટસ અને પૂરી તૈયારી સાથે જ ટેસ્ટ આપવા આવવા માટે RTO દ્વારા સલાહ આપવામાં આવી છે.


