અમદાવાદ : અમદાવાદમાં તહેવારો પહેલાં AMCના ફૂડ વિભાગે બેકરીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. નારોલ-લાંભાની અને બહેરામપુરામાં આવેલી જાણીતી બેકરીમાં તપાસ દરમિયાન સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન સામે આવતા બંને બેકરી યુનિટને સીલ કરી દેવામાં આવ્યા છે. બેકરીમાં તપાસ દરમિયાન મેંદામાંથી જીવડા પણ મળી આવ્યા હતા. ફૂડ લાઇસન્સ/રજિસ્ટ્રેશન અને પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ ન હોવાનું સામે આવ્યું હતું.
રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ-ફૂડ વિભાગની ટીમે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 તથા GPMC એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી હતી. મુસ્કાન બેકરીમાં તપાસ દરમિયાન ફૂડ લાઇસન્સ/રજિસ્ટ્રેશન ઉપલબ્ધ ન હોવાનું, નિયમો મુજબ હાઇજિનિક શરતોનું પાલન ન થતું હોવાનું અને પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ ન હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ બેકરી પ્રોડક્ટ્સ અસ્વચ્છ સ્થિતિમાં તૈયાર કરવામાં આવતી હોવાની પણ નોંધ લેવાઈ છે.
બહેરામપુરાની પ્રિન્સ બેકરીમાં પણ તપાસ દરમિયાન ભારે અસ્વચ્છતા જોવા મળી હતી. અહીં ફૂડ સેફ્ટીના નિયમોની જોગવાઈઓનું પાલન ન થતું હોવાનું નોંધાયું હતું. સૌથી ગંભીર બાબત એ હતી કે મેંદામાંથી જીવડા મળી આવ્યા હતા. આ ઉપરાંત બેકરી પાસે પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ પણ નહોતું. આ ક્ષતિઓને પગલે ફૂડ વિભાગ દ્વારા યુનિટને તુરંત સીલ કરી દેવામાં આવ્યું છે.
આ અગાઉ દાણીલીમડામાં આવેલી એશિયન બેકરીમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અસ્વચ્છ વાતાવરણ મળી આવતાં અંદાજે 5700 કિલો મેંદો અને શક્કરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી જોતાં તહેવારો પહેલાં બેકરી અને બેકરી પ્રોડક્ટ્સના વ્યવસાયિક એકમો સામે ફૂડ વિભાગે ચેકિંગ કડક કર્યું હોવાનું જણાય છે.


