અમદાવાદ : અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન પાસે બંધ સિગ્નલે પૂરઝડપે નીકળતી રિક્ષાને TRB જવાને રોકવાનો પ્રસાય કરતા કાચ તૂટી જતાં ચાલકે TRB જવાનને માર મારી પોલીસકર્મીને ધક્કો મારી નીચે પાડી દીધો હતો. રિક્ષાચાલકે રોડ વચ્ચે બોલાચાલી કરી હુમલો કરતાં પોલીસે તેની સામે સરકારી કામમાં અડચણરૂપ બનવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.
રિપોર્ટ મુજબ, ઈ-ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા TRB જવાન રાહુલ પટણી સોમવારે બપોરે વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિક કામગીરીમાં હતા. આ દરમિયાન રાયખડ ચાર રસ્તા તરફથી બંધ સિગ્નલે આવેલી એક પૂરઝડપ રિક્ષાને રોકવાનો પ્રયાસ કરાતાં તે TRB જવાનના હાથ સાથે અથડાઈ હતી અને રિક્ષાનો કાચ તૂટી ગયો હતો.રિક્ષા કાચ તૂટતાં ઉશ્કેરાયેલા ચાલકે રોડ પર જઈ TRB જવાન સાથે ગાળાગાળી કરી મારપીટ શરૂ કરી હતી.
આ ઝપાઝપી અને મામલો વણસતો જોઈને ત્યાં ફરજ પર હાજર પોલીસકર્મી મનોજભાઈ ત્વરિત વચ્ચે પડ્યા હતા. પરંતુ આક્રમક બનેલા રીક્ષા ચાલકે પોલીસકર્મી સાથે પણ ઝઘડો કરીને તેમને જોરદાર ધક્કો માર્યો હતો, જેના કારણે પોલીસકર્મી મનોજભાઈ નીચે પટકાઈ પડ્યા હતા. આ બનાવ બનતાં જ આસપાસથી અન્ય પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા અને તેમણે ત્વરિત વચ્ચે પડીને હુમલાખોર રીક્ષા ચાલકની સ્થળ પર જ અટકાયત કરી લીધી હતી.
પોલીસ ટીમે રીક્ષા ચાલકને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ જઈ કડક પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પકડાયેલા આરોપીની ઓળખ જીગર સોલંકી તરીકે થઈ છે, જે અમદાવાદના બહેરામપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ઈ-ટ્રાફિક પોલીસે સરકારી ફરજમાં અડચણ ઊભી કરવા તેમજ મારપીટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની સત્તાવાર ધરપકડ કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.


