અમદાવાદ : શહેરમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે પોલીસે ઝુંબેશ તેજ કરી છે.ત્યારે શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા એક હેર સલૂનમાંથી દરોડા દરમિયાન ડ્રગ્સનો જથ્થો મળી આવતાં ચકચાર મચી ગઈ છે. હેર કટિંગ અને બ્યુટી સર્વિસની આડમાં ચાલતા આ ગેરકાયદેસર કારોબારનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરીને જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત રૂ1.15 લાખ આંકવામાં આવી છે. આ મામલે પોલીસે સ્થળ પરથી હિરેન ભટ્ટ નામના યુવકની રેડ હેન્ડેડ ધરપકડ કરી લીધી છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા એક હેર સલૂનમાંથી ડ્રગ્સનો વેપલો ચાલતો હોવાની વિગતો સામે આવતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ત્વરિત દરોડો પાડીને સલૂનમાંથી 38 ગ્રામ 390 મિલિગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આ જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત રૂ. 1.15 લાખ આંકવામાં આવી છે. આ મામલે પોલીસે સ્થળ પરથી હિરેન ભટ્ટ નામના યુવકની રેડ હેન્ડેડ ધરપકડ કરી લીધી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાનાર આરોપી હિરેન ભટ્ટે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ડ્રગ્સનો જથ્થો તેને ગોમતીપુર વિસ્તારમાં રહેતા રહીમ અન્સારી નામના શખ્સે આપ્યો હોવાનું સામે આવ્યું છે. નશાનો આ જથ્થો પૂરો પાડનાર મુખ્ય સપ્લાયર રહીમ અન્સારી હાલ પોલીસ પકડથી બચવા માટે ફરાર થઈ ગયો છે. પોલીસે ફરાર આરોપી રહીમ અન્સારીની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવીને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ સમગ્ર કૌભાંડ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એનડીપીએસ (NDPS) એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. હેર સલૂનની આડમાં ક્યારથી આ નશાનો કારોબાર ચાલતો હતો, આ સિવાય અન્ય કોણ કોણ લોકો આ નેટવર્કમાં જોડાયેલા છે અને શહેરમાં કયા યુવકોને આ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું તે તમામ પાસાઓ પર પોલીસ હાલ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.


