અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ દ્વારા શસ્ત્ર છોડો શાંતિ જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.શહેરમાં ખાસ કરીને શરીર સંબંધી ગંભીર ગુનાઓને અટકાવવાના હેતુથી પોલીસે સાર્વજનિક જાહેરાતો કરીને લોકોને પોતાના પાસે રહેલા ઘાતક અને તીક્ષ્ણ હથિયારો સ્વેચ્છાએ જમા કરાવી દેવા અપીલ કરી હતી. પોલીસની આ અપીલને શહેરના નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને લોકોએ સામે ચાલીને મોટી સંખ્યામાં હથિયારો પોલીસને સોંપી દીધા છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાં શસ્ત્ર છોડો, શાંતિ જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ પશ્ચિમ વિસ્તારના અલગ અલગ 26 પોલીસ સ્ટેશનમાંથી 477 હથિયાર જમા કરવામાં આવ્યા છે. આ હથિયારમાં તલવાર, છરી, ગુપ્તી, ચાકુ, હોકી, રોર સહિતના હતા. પોલીસ દ્વારા સ્વેચ્છાએ અલગ અલગ વિસ્તારમાંથી લોકો પાસેથી હથિયાર કબજે કર્યા હતા જેને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ અગાઉ શહેરના પૂર્વ વિસ્તારમાં પણ આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં 263 જેટલા હથિયાર જમા થયા હતા, જ્યારે પશ્ચિમથી આજે 477 જેટલા હથિયાર જમા થયા છે. જે લગભગ દોઢ ગણાથી વધુ છે. પૂર્વના ગુનેગારો વધુ છતાં પૂર્વ કરતા પશ્ચિમમાં 214 જેટલા હથિયાર વધુ મળી આવ્યા છે. સૌથી વધુ સરખેજમાં 70, વેજલપુરમાં 50, સોલામાં 35, વાસણામાં 34 હથિયાર મળી આવ્યા છે.
આ ઝુંબેશ અંતર્ગત પોલીસ ટીમોએ વિવિધ વિસ્તારોમાં જઈને સ્પીકર મારફતે લોકોને ગેરકાયદે કે ઘાતક હથિયારો જમા કરાવી દેવા સૂચના આપી હતી.અમદાવાદ પોલીસની આ અનોખી પહેલથી શહેરમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


