અમદાવાદ : શહેરમાં જાહેર માર્ગો અને ફૂટપાથ પરના ગેરકાયદેસર દબાણો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મેગા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના વ્યસ્ત અને ટ્રાફિકની દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણાતા કાલુપુરથી ગીતામંદિર સુધીના વિસ્તારમાં AMCના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા મેગા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન રસ્તા રોકીને બેઠેલા વેપારીઓ સામે લાલ આંખ કરીને કુલ 119 જેટલી ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
AMCની ટીમે ખાસ કરીને કાલુપુર રેલવે સ્ટેશન આસપાસના વિસ્તારોમાં કાર્યવાહી કરી હતી. રેલવે સ્ટેશન નજીક રસ્તા અને ફૂટપાથ પર વેપાર કે અન્ય પ્રવૃત્તિ માટે મૂકવામાં આવેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગીતામંદિર બસ સ્ટોપની આસપાસ પણ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બંને વિસ્તારો શહેરના અત્યંત વ્યસ્ત વિસ્તારોમાં આવે છે, જ્યાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો અને રાહદારીઓની અવરજવર રહે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 21 છતવાળી લારીઓ, 19 વેપારી ટેબલ અને 16 પ્લાસ્ટિકના સ્ટૂલ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત છ મોટી છત્રીઓ, ત્રણ કાઉન્ટર, ચાર ગેસના સગડા અને ત્રણ એલપીજી સિલિન્ડર પર જપ્ત કર્યા હતા.દબાણ તરીકે ઉપયોગમાં લેવાતા માલસામાનને દૂર કરવાથી રસ્તા અને રાહદારીઓ માટે ઉપલબ્ધ જગ્યા વધારવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો.
કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર સેન્ટ્રલ બસ સ્ટેશન શહેરના મુખ્ય ટ્રાન્ઝિટ પોઇન્ટ હોવાથી અહીં દૈનિક લાખો મુસાફરો તથા વાહનોની અવરજવર રહે છે. ફૂટપાથ પર ગેરકાયદે વેપાર અને પથારાના કારણે રાહદારીઓને જોખમી રીતે રસ્તા વચ્ચે ચાલવાની ફરજ પડતી હતી, જેના લીધે ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાતી હતી. તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કડક કામગીરીથી બંને મુખ્ય વિસ્તારોના રસ્તાઓ અને ફૂટપાથ ખુલ્લા થતાં ટ્રાફિક પ્રવાહ સરળ બન્યો હતો.
અમદાવાદમાં વધતા ટ્રાફિક અને રાહદારીઓની અવરજવરને ધ્યાનમાં રાખીને જાહેર જગ્યાઓને દબાણમુક્ત રાખવાનો મુદ્દો શહેરની ટ્રાફિક વ્યવસ્થાનો મહત્વપૂર્ણ ભાગ છે. કાલુપુરથી ગીતામંદિર સુધીની તાજેતરની કાર્યવાહી એ જ દિશામાં AMCના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.


