અમદાવાદ: અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ક્રાઇમ રેટ ઘટે તે હેતુસર અમદાવાદ શહેર પોલીસે સમર્પણથી સુરક્ષા અભિયાન શરૂ કર્યું .બે દિવસ માં શહેરના પૂર્વ વિસ્તારમાંથી 263 હથિયારો નાગરિકોએ પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાં હતા. તીક્ષ્ણ હથિયારો નાગરિકોને પોલીસ સ્ટેશન માં જમા કરાવવા પોલીસે અભિયાન ચલાવ્યું હતું જેમાં તલવાર, છરી ધાર્યા સહિતના હથિયારો પોલીસ સમક્ષ જમા કરાવ્યા છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાઓને બનતા અટકાવવા માટે પોલીસ દ્વારા સમર્પણથી સુરક્ષા નામથી બે દિવસની વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જેમાં સેક્ટર 2માં આવેલા ઝોન 4, 5, 6 અને 8 પોલીસ સ્ટેશન વિસ્તારો જેમાં 22 જેટલા પોલીસ સ્ટેશન આવે છે તેમાં વિસ્તારો ઓળખવામાં આવ્યા હતા. લોકોને છરી, તલવાર, ધારિયા સહિતના જે પણ હથિયાર હોય તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી.
પોલીસે લોકોને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જો કોઈ વ્યક્તિ પોતાની પાસે રહેલા હથિયારો સ્વેચ્છાએ પોલીસને સોંપશે તો તેની સામે હથિયાર જમા કરાવવાની બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. પોલીસની અપીલ બાદ માત્ર બે દિવસમાં સેક્ટર-2 વિસ્તારમાં આવતા 22 પોલીસ સ્ટેશનમાં કુલ 263 જેટલા હથિયારો જમા કરાવવામાં આવ્યા છે. આ હથિયારોમાં છરી, તલવાર, ચપ્પુ, ધારિયા અને બેઝબોલ બેટ સહિતના વિવિધ પ્રકારના હથિયારોનો સમાવેશ થાય છે.
પોલીસ હવે માત્ર હથિયારો જમા કરાવવાથી અટકવાની નથી. પોલીસ આ તમામ વિસ્તારોમાં ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ કરશે જો ચેકિંગ દરમિયાન કોઈ વ્યક્તિ પાસેથી ગેરકાયદેસર રીતે હથિયાર મળી આવશે તો તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આથી પોલીસે લોકોને પોતાની પાસે રહેલા હથિયારો સ્વેચ્છાએ પોલીસને સોંપી દેવાની અપીલ કરી છે.


