સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં આવ્યો છે. પવિત્ર પર્વે સોમનાથધામ ખાતે શ્રદ્ધાનું મહાસાગર ઉમટી પડ્યું છે. આ પાવન અવસરે સોમનાથ મહાદેવના ગર્ભગૃહમાં હરિ (શ્રીકૃષ્ણ) અને હર (મહાદેવ) નો અદભુત અને અદ્વિતીય ત્રિવેણી સંગમ રચાયેલો જોવા મળ્યો હતો, જેને નિહાળીને દેશ-વિદેશમાંથી આવેલા શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા.
રિપોર્ટ મુજબ, જન્માષ્ટમીના પાવન અવસરે શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર શ્રીકૃષ્ણની સોમ્ય મુદ્રાની વિશેષ પ્રતિકૃતિ રચવામાં આવી હતી. શિવ સ્વરૂપે બિરાજમાન સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર શ્રીકૃષ્ણના દર્શન થતાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો હતો.આ વિશેષ શૃંગારનું વિશેષ આકર્ષણ અંદાજિત રૂ. ૨ કરોડની કિંમતનું સુવર્ણ મુગટ રહેલ. શ્રી સોમનાથ મંદિરના સમગ્ર ગર્ભગૃહને અગાઉ સુવર્ણમંડિત કરનાર ભક્ત પરિવાર એવા લખી પરિવાર દ્વારા તાજેતરમાં ફરી વખત સોમનાથ મહાદેવના ચરણોમાં અંદાજે 2 કરોડની કિંમતનો સુવર્ણ મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. જન્માષ્ટમીના પાવન અવસરે આ સુવર્ણ મુગટને શ્રી સોમનાથ મહાદેવને ધારણ કરાવી વિશેષ શૃંગારમાં અલંકૃત કરવામાં આવ્યા હતા.
‘કૃષ્ણ દર્શન શૃંગાર’ અંતર્ગત ગર્ભગૃહમાં શ્રીકૃષ્ણની વિવિધ બાળલીલાઓને પણ ભાવસભર રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી. વસુદેવજી દ્વારા બાળ કૃષ્ણને યમુનાજી પાર લઈ જવાનો પ્રસંગ, ગાયોના સાનિધ્યમાં વાંસળી વગાડતા ગોપાળ શ્રીકૃષ્ણ, તેમજ હિંડોળામાં ઝૂલતા શ્રીકૃષ્ણની મનોહર પ્રતિમૂર્તિઓ ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીકૃષ્ણના દિવ્ય દર્શન પામી ભક્તોએ હરિહર એકત્વની સાક્ષાત્ ઝાંખી અનુભવી ધન્યતા પ્રાપ્ત કરી હતી.


