અમદાવાદ : અમદાવાદમાં આગામી ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને અત્યંત કડક પગલાં લેવામાં આવ્યા છે. શહેરમાં નાગરિકોની સલામતી અને સંભવિત દુર્ઘટનાઓને ટાળવા માટે ફાયર વિભાગ દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેનું પાલન તમામ આયોજકો માટે ફરજિયાત રહેશે.
ગણેશ મંડપ આયોજકો દ્વારા કરવામાં આવતા વિશાળ પંડાલ અને સ્ટેજ નિર્માણ વખતે કોઈ દુર્ઘટના ન ઘટે અને જાનમાલની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી તંત્ર દ્વારા કડક દિશા-નિર્દેશો જાહેર કરાયા છે, આ નિર્દેશો અને નિયમોનું ફરજિયાદપણે પાલન કરવું પડશે.
આ ગાઈડલાઈન્સ પ્રમાણે વાત કરવામાં આવે તો, ગણેશ મંડપ કે ટેમ્પરરી સ્ટ્રક્ચર શાળા, હોસ્પિટલ, જ્વલનશીલ પદાર્થના ગોડાઉન, ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર, હાઇટેન્શન લાઇન કે રેલવે લાઇનથી સુરક્ષિત અંતરે જ બનાવવાના રહેશે. કોઈ પણ કટોકટીની સ્થિતિમાં ફાયર ફાઇટરના વાહનો સહેલાઈથી પહોંચી શકે તે માટે રસ્તાઓ ખુલ્લા રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
મંડપમાં દર્શનાર્થીઓની ભીડ નિયંત્રિત કરવા વ્યક્તિદીઠ ઓછામાં ઓછી 1 ચોરસ મીટર જગ્યા રાખવી ફરજિયાત છે. આ ઉપરાંત, ઈમરજન્સી સમયે લોકો સહેલાઈથી બહાર નીકળી શકે તે માટે ઓછામાં ઓછા બે ‘ઇમરજન્સી એક્ઝિટ’ સામસામેની દિશામાં રાખવા તેમજ ‘નો સ્મોકિંગ ઝોન’ અને ‘એક્ઝિટ’ના સ્પષ્ટ સાઈન બોર્ડ લગાવવા પડશે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આયોજકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, પંડાલની અંદર કે બહાર ફટાકડા ફોડવા, રસોઈ બનાવવી, એલપીજી સિલિન્ડર કે ધૂમ્રપાનના સાધનો રાખવા પર સખત પ્રતિબંધ રહેશે. વીજળીના શોર્ટ સર્કિટથી થતા અકસ્માતો અટકાવવા માટે તમામ ઇલેક્ટ્રિક વાયરિંગ ગવર્મેન્ટ અપ્રુવ્ડ ઇલેક્ટ્રિક ઇજનેર પાસે ચકાસાવવું પડશે. તેમજ સમગ્ર ઉત્સવ દરમિયાન 24 કલાક અગ્નિશામક યંત્ર વાપરવાની તાલીમ મેળવેલી હોય તેવા બે વ્યક્તિઓને સ્થળ પર હાજર રાખવા પડશે.
નિયમોના કડક અમલીકરણ માટે આયોજકોએ પોલીસ, ટ્રાફિક અને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ‘ના-વાંધા પ્રમાણપત્ર’ (NOC) મેળવવાનું રહેશે. આ ઉપરાંત, ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ હેઠળ રૂપિયા 300ના સ્ટેમ્પ પેપર પર ફોટો સાથેનું નોટરાઇઝ્ડ સેલ્ફ ડિપ્લેરેશન રજૂ કર્યા બાદ જ ફાયર વિભાગ તરફથી સ્પેશીયલ આઈડેન્ટિફિકેશન ઈશ્યુ કરવામાં આવશે. આ વખતે ગણેશોત્સવની ધાર્મિક આસ્થા સાથે સુરક્ષાના નિયમોનું પાલન કરવું આયોજકો માટે અતિ મહત્વનું બની રહેશે.


