અમદાવાદ : અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા મેટ્રો સ્ટેશનની બિલકુલ સામે એક અત્યંત કમકમાટીભર્યો માર્ગ અકસ્માત સર્જાયો છે. રાણીપ વિસ્તારમાં મેટ્રો સ્ટેશન નીચે AMTS બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં AMTS બસે બાઇક ચાલકને ટક્કર મારતા અજાણ્યા બાઈક ચાલકનું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ મુજબ, રાણીપ મેટ્રો સ્ટેશન નીચેથી બાઈક (નં. GJ27BQ8188) લઈને પસાર થઈ રહેલા આધેડ પ્રશાંત પનુભાઈ શાહ(ઉમંર 58, રહે. પાલડી)ને પૂરઝડપે આવતી AMTS બસ (નં. GJ01KT2401)ના ચાલકે જોરદાર અડફેટે લીધા હતા. AMTS બસની ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર રસ્તા પર પટકાયો હતો અને બસની ચપેટમાં આવી ગયો હતો.
ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ અને કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. શહેરના ભરચક રસ્તા પર બનેલી આ દર્દનાક ઘટનાને કારણે સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ હતી. બનાવ અંગે તુરંત જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
અકસ્માતની માહિતી મળતા જ પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ મામલે કાયદેસરનો ગુનો નોંધી, બસ ચાલકની અટકાયત કરવા સહિતની આગળની તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરમાં જાહેર વાહનવ્યવહારની કરોડરજ્જુ ગણાતી AMTS અને BRTS બસોના ચાલકોની બેદરકારી અને બેફામ ડ્રાઈવિંગ હવે શહેરીજનોના જીવ માટે જોખમરૂપ બની રહી છે.છેલ્લા 24 કલાકમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં AMTS અને BRTS ચાલકોએ 3 જુદા જુદા અકસ્માતો સર્જીને ભારે ભય અને રોષનો માહોલ સર્જ્યો છે. જ્યારે ત્રણ વર્ષમાં 41 વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.


