અમદાવાદ : આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ગઈકાલે લો ગાર્ડન સહિતની રાત્રિ ખાણીપીણી બજારોમાં સઘન અને ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં અટકાવવા અને તહેવારોમાં શુદ્ધ ખાદ્યપદાર્થો મળી રહે તે માટે આ વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી.
રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના લો ગાર્ડન વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં ખાણીપીણી માટે ઊભા રહેતા ફૂડ ટ્રક અને લારી-ગલ્લાઓમાં વેચાતી ખાધસામગ્રીની ગુણવત્તા ચકાસવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન કેટલાક એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. તો શંકાસ્પદ ખોરાક જણાતા ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા. સંચાલકોના ખોરાકમાં શંકાસ્પદ કે અસ્વચ્છતા જોવા મળશે, તેવા સંચાલકોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવશે.AMC ના ફૂડ વિભાગ દ્વારા લો ગાર્ડન વિસ્તારમાં આ પ્રકારે અચાનક ચેકિંગ હાથ ધરાતા ખાણીપીણીના વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
ફૂડ વિભાગના સૂત્રો મુજબ, આગામી દિવસોમાં પણ રાત્રીના ખાણીપીણી આ પ્રકારે ચેકિંગ કરવામાં આવશે, ચેકિંગ દરમિયાન જે પણ એકમો કે સંચાલકોના ખોરાકમાં શંકાસ્પદ કે અસ્વચ્છતા જોવા મળશે, તેવા સંચાલકોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવશે. આ ઉપરાંત, જો કોઈ ખોરાક માનવ સ્વાસ્થ્ય માટે વધુ હાનિકારક અથવા બગડેલો જણાશે, તો તેવા ખાદ્ય પદાર્થોનો ઘટનાસ્થળે જ નાશ કરવાની AMC દ્વારા કડક તૈયારીઓ કરવામાં આવી છે.


