અમદાવાદ : શહેરમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2030ને લઈ અત્યારથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. શહેરમાં ઘણા નવા બ્રિજ બની રહ્યા છે તથા કેટલાક બ્રિજનું કામ પૂર્ણતાના આરે છે. અમદાવાદના એસ.જી. હાઇવે પર ઇસ્કોન ચાર રસ્તાથી સાણંદ સર્કલ વચ્ચેનો 4 કિલોમીટર લાંબો, છ-લેન એલિવેટેડ બ્રિજ દિવાળી સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થતા જ દૈનિક દોઢ લાખ જેટલા વાહનચાલકોને કાયમી ધોરણે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.
રિપોર્ટ મુજબ, અમદાવાદના ઈસ્કોનથી સાણંદ સર્કલ સુધીનો આ એલિવેટેડ બ્રિજ શરૂ થવાથી સાણંદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા વાહનચાલકો વાયએમસીએ ક્લબ, કર્ણાવતી ક્લબ અને પ્રહલાદનગર સર્કલ નજીકના ટ્રાફિક જંક્શનોને બાયપાસ કરી શકશે, જેનાથી મુસાફરીનો સમય ઘટશે અને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. આ વિસ્તારો તરફ નીચે ઊતરવા ઇચ્છતા વાહનચાલકો માટે રેમ્પની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે.હાલના સમયે સાણંદથી ગાંધીનગર તરફ જતા વાહનચાલકોને ઝાયડસ અને SGVP હોસ્પિટલ વિસ્તાર ઉપરાંત કર્ણાવતી ક્લબ અને પ્રહલાદનગર ગાર્ડન સર્કલ પર ભારે ટ્રાફિકનો સામનો કરવો પડે છે.
જે વાહનચાલકોએ આ સ્થાનિક વિસ્તારમાં જવું હોય, તેમના માટે બ્રિજ પર ચડવા-ઉતરવા માટે ખાસ 4 રેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રેમ્પની કામગીરી 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે, જેનાથી સ્થાનિક વાહનવ્યવહાર પણ અત્યંત સુગમ બનશે. સાણંદ સર્કલ તરફ બ્રિજના છેડા સુધીનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ એલિવેટેડ બ્રિજ સાકાર થવાથી અમદાવાદના આંતરિક વાહન વ્યવહારની સાથે સૌરાષ્ટ્ર અને ગાંધીનગર તરફ જતા લાંબા અંતરના વાહનોની ગતિમાં પણ મોટો વધારો થશે.
NHAI અનુસાર, આ પ્રોજેક્ટ રૂ. 385 કરોડના ટેન્ડર ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો, જ્યારે તેનો કુલ ખર્ચ રૂ. 530 કરોડથી વધુ થવાનો અંદાજ છે. હાલમાં, સાણંદથી ગાંધીનગર તરફ જતા વાહનચાલકોને પ્રહલાદનગર ગાર્ડન સર્કલ અને કર્ણાવતી ક્લબ પાસે અવારનવાર ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. એકવાર આ બ્રિજ ખુલી જતાં, વાહનો આ જંક્શનો પર રોકાયા વિના સીધા બ્રિજ પરથી પસાર થઈ શકશે.


