અમદાવાદ : અમદાવાદના વાડજ-રાણીપ વિસ્તારમાં આવેલા ચંદ્રભાગા કેચમેન્ટ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ ચંદ્રભાગા ડક્ટ પ્રોજેક્ટ હવે પરિવર્તનની દિશામાં આગળ વધી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં આશરે 1,200 મીટર ડક્ટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે,જેના પરિણામે વરસાદી પાણીના પ્રવાહને યોગ્ય દિશા આપવા અને પાણીના ભરાવાની સમસ્યા ઘટાડવામાં મદદ મળી છે. આ પ્રોજેક્ટથી વાડજ-રાણીપ વિસ્તારમાં ચોમાસા દરમિયાન થતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળી શકે છે.
AMCના જણાવ્યા અનુસાર, ચંદ્રભાગા કેચમેન્ટ વિસ્તારમાં અગાઉ વરસાદી પાણી અને ગટરનું પાણી એકસાથે વહેવાને કારણે પાણીના નિકાલમાં મુશ્કેલી ઊભી થતી હતી. ખાસ કરીને ભારે વરસાદ દરમિયાન બકરામંડી અને જોગેશ્વરી સોસાયટીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે રહેણાક મકાનોમાં પાણી ઘૂસી જવાની સમસ્યા સર્જાતી હતી. નાળામાં પાણીનો બેકફ્લો, ગાદ-માટીનો જમાવ અને પાણીના પ્રવાહમાં અવરોધને કારણે સ્થિતિ વધુ ગંભીર બનતી હતી.
આ સમસ્યાના ઉકેલ માટે ડક્ટમાં પાણીના પ્રવાહને યોગ્ય દિશા આપવા, નાળાની સફાઈ કરવા, ગાદ દૂર કરવા અને જરૂરી સ્થળોએ ડ્રેનેજ કનેક્ટિવિટી સુધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટ સંબંધિત વિગતો અનુસાર, વર્ષ 2025-26 દરમિયાન ભારે વરસાદ વખતે 0થી 1300 ચેઈનેજ સુધીના વિસ્તારોમાં આ કામગીરીનો લાભ મળ્યો હતો. ખાસ કરીને 0થી 500 ચેઈનેજ સુધીના બકરામંડી વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસવાની સમસ્યામાં મહદઅંશે સુધારો નોંધાયો હોવાનું જણાવાયું છે.
23 જુલાઈ, 2026ના રોજ રાણીપ વિસ્તારમાં પડેલા ભારે વરસાદ દરમિયાન ચંદ્રભાગા કેનાલમાં પાણીનો પ્રવાહ આશરે 116.8 ક્યુબિક મીટર પ્રતિ સેકન્ડ નોંધાયો હતો. જ્યારે પ્રોજેક્ટની વિગતોમાં કેનાલની કુલ કેરિંગ કેપેસિટી 233.6 ક્યુબિક મીટર પ્રતિ સેકન્ડ દર્શાવવામાં આવી છે. જોકે, પ્રોજેક્ટની અસરકારકતાનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવા માટે વરસાદની તીવ્રતા, પાણી ભરાવાની સ્થિતિ અને પાણીના નિકાલમાં લાગેલો સમય જેવા પરિબળો પણ મહત્ત્વપૂર્ણ રહેશે.
પાણીના નિકાલમાં અવરોધ ન સર્જાય તે માટે AMCની ફિલ્ડ ટીમ દ્વારા ડક્ટ અને આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવે છે. જરૂરિયાત મુજબ ડીસિલ્ટિંગ મશીન, JCB અને અન્ય મશીનરીની મદદથી ગાદ, માટી, ઝાડ-ઝાંખરા તથા અન્ય અવરોધો દૂર કરવામાં આવે છે. ચેઈનેજ નંબર 1300થી 1500 સુધીના વિસ્તારમાં પણ પાણીના પ્રવાહને અવરોધતા પરિબળો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


