અમદાવાદ : અમદાવાદના સોલા- નારણપુરા રોડ ઉપર દારૂ પીધેલી હાલતમાં યુવક જોખમી રીતે કાર ચલાવી રહ્યો હતો. જેથી સ્થાનિકોએ તેને રોક્યો હતો. યુવક એટલો દારૂ પીધેલી હાલતમાં હતો કે, ઉભો પણ રહી શકતો નહોતો. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ઘાટલોડિયા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસને યુવક પાસેથી બે દારૂની બોટલ પણ મળી આવી હતી. દારૂ પીને ગાડી ચલાવવા તેમજ દારૂની બોટલ રાખવા મામલે પોલીસે યુવક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
રિપોર્ટ મુજબ, શહેરના સોલા-નારણપુરા રોડ પર જૈન પાર્શ્વનાથ મંદિર નજીક એક લક્ઝુરિયસ કારનો ચાલક આડેધડ કાર હંકારી રહ્યો હતો. તેની જોખમી ડ્રાઇવિંગ જોઈ સ્થાનિકોને શંકા ગઈ હતી. રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષાને જોખમ ઊભું થતાં લોકોએ કારને ઘેરીને અટકાવી હતી. કારમાંથી બહાર કાઢ્યા બાદ ચાલક દારૂના નશામાં હોવાનું જણાયું હતું. તે યોગ્ય રીતે ઊભો પણ રહી શકતો ન હોવાથી સ્થાનિકોએ તેને રસ્તાની બાજુમાં બેસાડ્યો હતો. તેની તપાસ દરમિયાન દારૂનું એક ક્વાર્ટર પણ મળી આવ્યું હતું. આથી સ્થાનિકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.
સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી અને જાણ કરવામાં આવતા ઘાટલોડિયા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે ગાડીમાં તપાસ કરતા બે વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. દારૂ પી અને બેફામ રીતે ગાડી ચલાવનાર શખ્સનું નામ યતીન પટેલ છે અને તે સનસેટ રો હાઉસ, ગુરુકુળ રોડ, મેમનગરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. ઘાટલોડીયા પોલીસે તેની સામે દારૂ પીવા અને દારૂ રાખવા અંગેનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.


