અમદાવાદ : અમદાવાદ શહેરની નામાંકિત ગણાતી શેઠ સીએન વિદ્યાલયમાંથી શિક્ષણ જગતને શરમસાર કરતી એક ચકચારી ઘટના સામે આવી છે. શાળામાં અભ્યાસ કરતા ધોરણ-9ના એક વિદ્યાર્થીને શિક્ષક દ્વારા સામાન્ય બાબતમાં કોઈ અતિશય ગંભીર કારણ વગર સરેઆમ 6 જેટલા લાફા ઝીંકી દેવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અમાનવીય વર્તનને કારણે વાલીઓ અને શૈક્ષણિક જગતમાં ભારે રોષ ફેલાયો છે.
રિપોર્ટ મુજબ, આંબાવાડીમાં આવેલી શેઠ સીએન વિદ્યાલયમાં ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર શાળાના શિક્ષક કોઇ બાબતે ઉશ્કેરાઈ ગયા હતા. શિક્ષકે તમામ મર્યાદાઓ ઓળંગીને વિદ્યાર્થીને એક પછી એક એમ સળંગ 6 લાફા ઝીંકી દીધા હતા. શિક્ષકની આ બર્બરતા અને શારીરિક માનસિક ત્રાસને કારણે માસુમ વિદ્યાર્થી ભારે ડરી ગયો હતો અને હોલમાં હાજર અન્ય વિદ્યાર્થીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
આ સમગ્ર ઘટના ક્લાસરૂમની અંદર જ બની હતી, જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, શિક્ષક દ્વારા વિદ્યાર્થીને કેવી નિર્દયતાથી મારવામાં આવી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ વાલીઓમાં ભારે ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે કે, શાળાઓમાં બાળકો કેટલા સુરક્ષિત છે.
આ ઘટના બાદ વિદ્યાર્થીને વર્ગખંડમાંથી બહાર પણ કાઢી મૂકવામાં આવ્યો હતો. શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીએ ઘરે જઈને સમગ્ર બાબતની જાણ તેના માતા પિતાને કરી હતી.ઘટનાથી આઘાતમાં સરી પડેલા વિદ્યાર્થીના પિતાએ આ મામલે ચૂપ બેસી રહેવાને બદલે તાત્કાલિક ધોરણે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં પહોંચીને લેખિત અરજી કરી હતી. શિક્ષકની આ કાસાઈગીરી સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે વાલીએ ન્યાયની ગુહાર લગાવી છે.
વાલીની અરજી અને વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજને ગંભીરતાથી લઈને અમદાવાદ DEO તંત્ર સક્રિય બન્યું છે. DEO દ્વારા શેઠ સીએન વિદ્યાલયના સંચાલકો અને જવાબદાર શિક્ષક સામે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે શાળા પાસેથી તાત્કાલિક ધોરણે સ્પષ્ટ ખુલાસો માંગવામાં આવ્યો છે અને જો કસૂરવાર જણાશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જણાવાયું છે.


