અમદાવાદ : દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું છે. જેના ભાગ રૂપે આજે શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 40 હજાર કિલો જેટલો શંકાસ્પદ માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.આ કાર્યવાહીને પગલે માવાની ગુણવત્તા અને તેના સંગ્રહને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
રિપોર્ટ મુજબ, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગોમતીપુર વિસ્તારમાં મોટા પ્રમાણમાં વેપારીઓ દ્વારા મીઠાઈ બનાવવા માટે માવો કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. 15થી 20 વેપારીઓ દ્વારા એક લાખ કિલોથી વધારે માવો રાખવામાં આવે છે.ગોમતીપુર વિસ્તારમાં આવેલા એક કોલ્ડ સ્ટોરેજ પર ઓચિંતી તપાસ હાથ ધરતાં આશરે 40 હજાર કિલો શંકાસ્પદ માવાનો જથ્થો મળી આવ્યો છે.
AMCના ફૂડ સેફ્ટી ઓફિસરોએ સ્થળ પરથી રાધિકા ફૂડ પ્રોડક્સ નામની કંપનીના ‘રજવાડી સ્વીટ્સ’ સહિત વિવિધ શંકાસ્પદ માવાના નમૂના એકત્રિત કર્યા છે. આ નમૂનાઓને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સમગ્ર શંકાસ્પદ જથ્થાને સીલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા જનતાના આરોગ્ય સાથે ચેડાં કરતા આવા તત્વો સામે કડક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે.
દિવાળીનો તહેવાર હોવાથી લોક ભરપૂર પ્રમાણમાં માવો ખરીદી રહ્યાં છે. જેમના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે કડક કાર્યવાહી આરંભવામાં આવી છે. AMC ફુડ વિભાગની આ કાર્યવાહીને કારણે શંકાસ્પદ માવાનો વિશાળ જથ્થો બજારમાં પહોંચે તે પહેલાં જ તંત્રની તપાસના દાયરામાં આવ્યો છે.


