અમદાવાદ : દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં મીઠાઈ, ફરસાણ અને નમકીનના ઉત્પાદકો તેમજ વેપારીઓના સ્થળોએ સઘન ચેકિંગ અને સેમ્પલિંગની ઝૂંબેશ તેજ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન ફૂડ સેફ્ટીના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવા બદલ તંત્ર દ્વારા 4 મોટા ખાદ્ય એકમોને તાત્કાલિક અસરથી સીલ મારી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે.
રિપોર્ટ મુજબ, AMCના ફૂડ વિભાગની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં અચાનક તવાઈ બોલાવીને નિયમોનું ઉલ્લંઘન કરતા ચાર મોટા ખાદ્ય ઉત્પાદન એકમો વિરુદ્ધ કડક સીલિંગની કાર્યવાહી હાથ ધરી છે.ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં જે એકમોને સીલ કરવામાં આવ્યા છે તેમાં શાહીબાગ મહેશ્વરી એસ્ટેટ ખાતે આવેલું ‘સ્વસ્તિક ફૂડ્ઝ’, તાવડીપુરા સ્થિત ‘શ્યામ સુંદર ફૂડ પ્રોડક્ટ્સ’ તેમજ ગાંધી રોડ પર જૂની પ્રતાપ સિનેમા પાસે આવેલા ‘પ્રકાશકુમાર કનૈયાલાલ’ અને ‘અમતરલાલ કુબેરદાસ નમકીનવાલા’નો સમાવેશ થાય છે. આ તમામ ઉત્પાદન સ્થળોએ ખાદ્ય પદાર્થો બનાવતી વખતે આરોગ્યપ્રદ પરિસ્થિતિ જાળવવામાં આવી નહોતી અને નિયમોની ઐસીતૈસી કરવામાં આવી રહી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે જે ખાદ્ય ધંધાકીય એકમોમાં ખાણી-પીણીની વસ્તુઓ તળવા માટે દરરોજ 50 કિલોગ્રામથી વધુ ખાદ્ય તેલનો ઉપયોગ થતો હોય, તેમણે સરકારની ગાઇડલાઇન મુજબ વપરાયેલ તેલના યોગ્ય સંગ્રહ અને નિકાલ માટે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા કે એજન્સી સાથે ફરજિયાત કરાર કરવાનો રહેશે.
આ વપરાયેલા તેલનો અનધિકૃત રીતે પુનઃઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવું દરેક એકમની જવાબદારી છે. જો ભવિષ્યની તપાસમાં કોઈ પણ એકમ વગર કરારે કાર્યરત ઝડપાશે, તો તેની સામે ભારે દંડ અને સીલ સુધીની આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને AMCના હેલ્થ ફુડ વિભાગ દ્વારા તમામ મીઠાઈ, ફરસાણ અને પેકેજ્ડ ફૂડ બનાવતા વેપારીઓને નીચેની બાબતોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરાઈ છે-
ખાદ્ય પદાર્થો બનાવવાની જગ્યાએ અને ગોડાઉનમાં સંપૂર્ણ સ્વચ્છ તથા આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવું.
ઉત્પાદનમાં વપરાતી કાચી સામગ્રી અને પદાર્થોની ગુણવત્તા ઉત્તમ હોવી જોઈએ.
કામદારો પાસે ફરજિયાતપણે કેપ, એપ્રન, માસ્ક અને હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરાવવો.
FSSAIની Schedule-4ની તમામ ગાઇડલાઇનનું અક્ષરસઃ પાલન કરવું.
પેકેજ્ડ ફૂડ પરના લેબલ્સ અને પેકેજિંગ પ્રવર્તમાન કાયદાકીય નિયમો મુજબ જ હોવા જોઈએ.
દરરોજ 50 કિ.ગ્રા.થી વધુ તેલ વાપરતા એકમોએ તેલના નિકાલ માટે માન્યતા પ્રાપ્ત એજન્સી સાથે કરાર કરી તેની અમલવારી સુનિશ્ચિત કરવી.
તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ આ તપાસ અભિયાન સતત ચાલુ રહેશે અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006ના નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈપણ શખ્સ કે પેઢીને છોડવામાં આવશે નહીં.


