અમદાવાદ : અમદાવાદ ફ્લાવર શો 2027ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આ ફ્લાવર શોમાં અવનવી થીમ પર કલાકૃતિઓ રજૂ કરવામાં આવે છે. જોકે, આ વર્ષે રિવરફ્રન્ટ પર આયોજિત ફ્લાવર શો-2027માં ફૂલોની સજાવટની સાથે સાથે આકર્ષક અને વિશાળ કલાકૃતિઓ રજૂ કરવામાં આવનાર છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા અંદાજે 12 કરોડનાં ખર્ચે 8 અલગ અલગ થીમ આધારિત ઝોન તૈયાર કરવામાં આવ્યું છે.
રિપોર્ટ મુજબ, સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો-2027માં મનપા દ્વારા રજૂ થનારી થીમોની બનાવટમાં ફાઈબર, મેટલ, ઈકો-ફ્રેન્ડલી કમ્પોઝિટ, ફાઈબર-રીઈન્ફોર્સ્ડ પ્લાસ્ટિક એફઆરપી, એક્રેલિક, લાકડું અને વાંસનો ઉપયોગ કરવામાં આવશે, ઉપરાંત આ કલાકૃતિઓને આબોહવા સામે ટકાવી રાખા મેટલ ફ્રેમ પર ખાસ કોટિંગ કરવામાં આવશે. ફ્લાવર શો ઓછામાં ઓછા 18 દિવસ ચાલશે. મનપા દ્વારા શો પૂર્ણ થયા પછી તમામ કલાકૃતિઓને ગાર્ડન્સમાં સ્થાપિત કરવાની યોજના છે.
ઝોન 1માં જળ સંરક્ષણનો વારસો દર્શાવતી વાવ, ઝોન 2માં વન્ડર્સ ઓફ ગુજરાત, ઝોન 3માં ભારતની કુદરતી સંપત્તિ, ઝોન 4માં કોમનવેલ્થ ગેમ્સનો લોગો, ઝોન 5માં બડિંગ વન્ડર અંતર્ગત શિયાળ-કાગડાની વાર્તા, ઝોન 6માં દરિયાઈ દુનિયા, ઝોન 7માં ટકાઉ શહેરી વિકાસ અને ઝોન 8માં ભવિષ્યનો બગીચો દર્શાવવામાં આવશે.
ફ્લાવર શોમાં સ્ટોલ ભાડે આપી મ્યુનિ. 1.50 કરોડની કમાણી કરશે. જેમાં નર્સરી એટલે ફૂલ-છોડ, કુંડા વગેરે વેચવા માટે 10 બાય 10 મીટરના 10 સ્ટોલ રૂ.2.5 લાખ, ખાણીપીણીના પાંચ બાય પાંચ મીટરના 20 સ્ટોલ પાંચ લાખની બેઝ રકમથી ભાડે અપાશે.
નોંધનીય છે કે, કામચલાઉ ફૂડ સ્ટોલમાં ગેસ સ્ટવ કે ચૂલાનો ઉપયોગ કરી શકાશે નહીં. ફક્ત અવન અને ઈન્ડક્શન વાપરવાની છૂટ અપાઈ છે. આ સાથે 8 સ્ટોલ અન્ય વસ્તુઓના વેચાણ માટે બે લાખમાં ભાડે અપાશે. જો કે આ લઘુત્તમ ભાડું છે. જેના માટે દિવાળી આસપાસ હરાજી કરાશે.
ફ્લાવર શો 2027 ની વિશેષતાઓ
વાવની થીમ: 256 ફૂટ લાંબી અને 27 ફૂટ ઊંચી વાવની ભવ્ય પ્રતિકૃતિ તૈયાર કરાશે, જેમાં 48 થાંભલા, 230 ફૂટ લાંબી મેટલ ફ્રેમ વોલ, 73 ફૂટનો કુંડ-ફુવારો અને એક કિનેટિક લોગો જોવા મળશે.
ગુજરાતની અજાયબી: કચ્છના સફેદ રણની થીમ સાથે 20 ફૂટ ઊંચા સૂર્ય અને ચંદ્ર, કપાસનાં ફૂલની 40 પ્રતિકૃતિઓ તથા 40 ફૂટની આકર્ષક વોલ ઇન્સ્ટોલેશન રજૂ થશે.
દેશની કુદરતી સંપત્તિ: ભારતના દુર્લભ ફૂલોની 8 ખાસ પ્રતિકૃતિઓ અને ધોધ જેવી 2 વિશાળ કુદરતી રચનાઓ ઊભી કરાશે.
કોમનવેલ્થ ગેમ્સ: 101 ફૂટ લાંબી અને 15 ફૂટ ઊંચી 2 ઇન્ટરેક્ટિવ વોલ, ખેલાડીઓનાં 11 ફૂટ ઊંચાં 4 શિલ્પો, ગેમ્સનો લોગો અને 16 ફૂટ ઊંચો મધ્યસ્થ થાંભલો પ્રદર્શિત કરાશે.
બાળવાર્તા: કાગડો અને શિયાળની જાણીતી વાર્તા આધારિત શિલ્પો, પશુ-પક્ષીઓ તેમજ 42×42 ફૂટનો ઘેરાવ ધરાવતી અને 30 ફૂટ ઊંચી વિશાળ વડલાની રચના મુકાશે.


