અમદાવાદ : અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે સોમવારે(2 નવેમ્બર)ની રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બેકાબૂ કારચાલકે રસ્તાની બાજુમાં બેઠેલા પાથરણાવાળાને અડફેટે લેતા મોટી દુર્ઘટના ઘટી છે. આ બનાવમાં 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે 1 મહિલાનું મોત નીપજ્યું છે.પોલીસે કારચાલકને અટકમાં લઈ તપાસ હાથ ધરી છે. કારમાંથી એક બિયરનું ટીન મળતા ચાલકે નશો કર્યો છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટ મુજબ, શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય સ્કૂલ પાસેથી રાત્રિના 10 વાગ્યાના અરસામાં GJ18EF4060 નંબરની ફોર્ચ્યુનર કારના ચાલકે બેફામ સ્પીડે કાર દોડાવી અકસ્માત સર્જયો. ફૂટપાથ પર ઊંઘી રહેલા ત્રણ લોકોને કચડી નાખતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું. જ્યારે બે લોકોની સારવાર ચાલી રહી છે.
અકસ્માતની ઘટનાને પગલે ઘટનાસ્થળે સ્થાનિકોનું ટોળું એકઠું થઈ ગયું હતુ. જેમાં તપાસ કરતા કારમાંથી બિયરની બોટલો પણ મળી આવી છે. આ ગંભીર બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને ઈજાગ્રસ્ત ત્રણ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.
આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના અધિકારીએ અકસ્માત અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારની અડફેટે ચડેલા ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાંથી સારવાર દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે 2 લોકોની હાલતમાં ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


