અમદાવાદ : દિવાળીના તહેવાર વચ્ચે અમદાવાદીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળે તેવી ભેટ મળવા જઈ રહી છે. ઇસ્કોન જંકશનથી સરખેજ સુધી રૂ. 464 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા એલિવેટેડ કોરિડોરનું આગામી 9 નવેમ્બરના રોજ લોકાર્પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ કોરિડોર ખુલ્લો મુકવામાં આવશે. અમદાવાદ અને ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકો માટે રૂ. 1,500 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
રિપોર્ટ મુજબ, શહેરના એસજી હાઈવે પર ઈસ્કોન જંક્શનથી સરખેજ ચોકડી સુધીના 4 કિમીના 6 લેન ફ્લાયઓવર બ્રિજનું આગામી નવ નવેમ્બરે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે. દિવાળીના તહેવારની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે 671 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ અને 358 કરોડથી વધુના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત પણ કરશે.આ બ્રિજ કાર્યરત થવાથી અમદાવાદથી ગાંધીનગર અને રાજકોટ તરફ જતા દરરોજના 2 લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે.
આ ઉપરાંત યુવાનો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નિર્મિત જોધપુર નોલેજ હબ ખુલ્લું મુકાશે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ થશે. ગોતા વિસ્તારના સામાન્ય અને ગરીબ વર્ગના લોકો માટે સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાશે.
નારણપુરા, ઘાટલોડીયા અને બોપલ વિસ્તારમાં નવી સ્માર્ટ સ્કૂલોનું પણ લોકાર્પણ કરશે. સાબરમતી વિધાનસભા વિસ્તારમાં રાણીપ અને ચાંદલોડિયામાં નવા પાણીની ટાંકીનું પણ ઉદ્ઘાટન કરશે. વાડજ વિસ્તારના પરીક્ષિતલાલ નગર ઝૂંપડપટ્ટી અને હનુમાનપુરાની ચાલીના રીડેવલોપમેન્ટનું પણ ખાતમુહૂર્ત કરશે. એ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત, અમિત શાહ અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની પૂર્વ તૈયારીઓ અંગે AMCના અધિકારીઓ સાથે બેઠક કરશે અને શહેરમાં રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રગતિની ચર્ચા કરશે. નૂતન વર્ષના દિવસે તેઓ પોતાના નિવાસસ્થાને ભાજપના કાર્યકરો તથા શુભેચ્છકો સાથે સ્નેહ મિલન યોજી મુલાકાત કરશે.


