અમદાવાદ : દિવાળીના પવિત્ર અને ઉત્સાહભર્યા તહેવારો નિમિત્તે રાજ્યના નાગરિકો સાથે ખુશીઓ વહેંચવાની પરંપરાને જાળવી રાખતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત સંવેદનશીલ પહેલ કરી છે. અમદાવાદ ખાતે આવેલી ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલની અચાનક મુલાકાત લઈને તેમણે ત્યાં સારવાર લઈ રહેલા મનોદિવ્યાંગ દર્દીઓ સાથે અનોખી રીતે દિવાળીની ઉજવણી કરી હતી. તહેવારના આ પર્વ પર DyCM ની ઉપસ્થિતિથી દર્દીઓના ચહેરા પર વિશેષ ખુશી જોવા મળી હતી.
આ પ્રસંગે દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, તમારી કલા અને સર્જનાત્મકતા ખરેખર પ્રશંસનીય છે. તમે સૌએ હોસ્પિટલમાં રહીને જે પ્રેમ અને મહેનતથી આ દીવાઓ તૈયાર કર્યા છે, તે માત્ર માટીના દીવા નથી પરંતુ તેમની ખુશીઓ અને આત્મનિર્ભરતાનું પ્રતિક છે.નાયબ મુખ્યમંત્રીએ દર્દીઓ સાથે આત્મીય સંવાદ કરી તેમની આ કુશળતાને બિરદાવી હતી. હોસ્પિટલના દર્દીઓ પણ પોતાના દ્વારા બનાવાયેલા દીવાઓ સ્વીકારવામાં આવતા આનંદિત અને ઉત્સાહિત નજરે પડ્યા હતા.
આ કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને ધારાસભ્ય ગણપત વસાવા ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલા, મેન્ટલ હોસ્પિટલના RMO દિપ્તીબેન ભટ્ટ, આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિડેન્ટ વિભાબેન સવાલિયા, અન્ય તબીબો, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિતિ રહ્યા હતા.
આમ, દિવાળીના તહેવાર દરમિયાન યોજાયેલી આ અનોખી ઉજવણી દ્વારા મનોદિવ્યાંગ દર્દીઓની પ્રતિભાને પ્રોત્સાહન આપવા સાથે સમાજમાં સંવેદનશીલતા, સમાનતા અને આત્મનિર્ભરતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.


