અમદાવાદ : દિવાળીના તહેવારો વચ્ચે અમદાવાદના નાગરિકો માટે ખુશખબર સામે આવી છે. ભાઈબીજના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTSએ મહિલાઓને ખાસ ભેટ આપી છે. ભાઈબીજના દિવસે મહિલાઓ AMTSની બસોમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે.અગાઉ રક્ષાબંધનના દિવસે પણ AMTS તરફથી મહિલાઓને નિઃશુલ્ક મુસાફરી કરવાનો નિર્ણય કરાયો હતો.
રિપોર્ટ મુજબ, AMTS દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર, અમદાવાદમાં ભાઈબીજના દિવસે સવારથી સાંજ સુધી મહિલાઓને બસમાં મુસાફરી કરવા માટે કોઈ ટિકિટ ભાડું ચૂકવવું પડશે નહીં. એટલે કે, શહેરના કોઈપણ રૂટ પર AMTSની બસમાં બહેનો મફત મુસાફરીનો લાભ લઈ શકશે.આ નિર્ણયથી તહેવારના દિવસે બહેનોને એક સ્થળેથી બીજા સ્થળે અવરજવર કરવામાં સુવિધા મળશે.
ભાઈબીજના દિવસે બહેનો પોતાના ભાઈને તિલક કરવા તેમજ પરિવારજનોને મળવા માટે અવરજવર કરતી હોય છે. ત્યારે મહિલાઓને તહેવારની ભેટરૂપે AMTS દ્વારા આ સુવિધા આપવામાં આવી છે. આ નિર્ણયથી મહિલાઓમાં ખુશીનો માહોલ જોવા મળી શકે છે. જોકે, આ સુવિધા માત્ર ભાઈબીજના નિર્ધારિત દિવસ પૂરતી જ લાગુ રહેશે.


