અમદાવાદ : દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતની મુલાકાતે છે અને પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદ શહેરમાંથી એક વિશેષ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના પરિવારજનો સાથે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા P SQUARE થિયેટર ખાતે પહોંચીને ચર્ચાસ્પદ બનેલી ‘રામાયણ’ ફિલ્મ નિહાળી હતી.
રિપોર્ટ મુજબ, ગૃહમંત્રી અમિત શાહ પોતાના વ્યસ્ત રાજકીય અને સરકારી કાર્યક્રમોમાંથી સમય કાઢીને અમદાવાદના ગોતા સ્થિત P SQUARE થિયેટર ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. થિયેટરમાં સામાન્ય નાગરિકોની જેમ જ તેમણે પરિવાર સાથે બેસીને ‘રામાયણ’ ફિલ્મ નિહાળી હતી.પરિવાર સાથે થિયેટરમાં પહોંચેલા ગૃહમંત્રીની એક ઝલક મેળવવા માટે અનેક લોકો પણ ઉત્સુક જોવા મળ્યા હતા. ગૃહમંત્રીની આ મુલાકાતને પગલે સિનેમાઘર ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.
દેશના ગૃહમંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખીને થિયેટર પરિસરમાં અને આસપાસના વિસ્તારમાં પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરક્ષાના કડક દાયરા વચ્ચે તેમણે પરિવાર સાથે શાંતિપૂર્ણ માહોલમાં ફિલ્મનો આનંદ માણ્યો હતો. ગૃહમંત્રીના આ પ્રકારે થિયેટર પહોંચવાની ખબર વાયુવેગે પ્રસરતા સ્થાનિક નાગરિકોમાં પણ ભારે કુતુહલ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.


