અમદાવાદ : તાજેતરમાં વાડજ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ખોટા સહી-સિક્કા અને બનાવટી જાવક નંબરના આધારે મકાનના બોગસ દસ્તાવેજ થયાની ફરિયાદ બાદ બોર્ડે હરકતમાં આવ્યું છે અને દસ્તાવેજની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે.
રિપોર્ટ મુજબ, હવે નવા નિયમ પ્રમાણે, હવે મકાનમાલિકે બાકી નીકળતાં લેણાંની સંપૂર્ણ રકમ ભરીને તેની સત્તાવાર સ્લિપ રજૂ કર્યા બાદ જ દસ્તાવેજ માટેની અરજી જમા લેવામાં આવશે. અરજી જમા થયા બાદ તમામ પુરાવાઓની બારીકાઈથી ચકાસણી કરીને જ દસ્તાવેજની આગળની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.
દસ્તાવેજોની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની છેતરપિંડી ન થાય અને અરજદારોને સરળતા રહે તે હેતુથી બોર્ડ દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં કચેરીમાં દસ્તાવેજો કે નિયમો સંબંધિત પરિપત્ર સરળતાથી વાંચી શકાય તેમ નોટિસ બોર્ડ પર મૂકાશે,
બીજો નિર્ણય એમ છે કે, મકાનોમાં થયેલા ગેરકાયદેસર દબાણોની ફરિયાદોને ધ્યાને લઈને વધારાના બાંધકામ પેટે કેટલી રકમ ભરવાની છે તેની જાણ અરજદારને અગાઉથી કરાશે. ઉપરાંત અરજી સ્વીકારથી લઈને સહી-સિક્કા મારવા સુધીની કામગીરીમાં જવાબદારી નક્કી કરવા હેતુથી કર્મચારીઓને જવાબદારીઓ સોપાઈ છે.
જો કે આ નિયમોથી દસ્તાવેજની પ્રક્રિયા ઝડપી થશે, કારણ કે મકાનમાલિકે બાકી નીકળતાં લેણાંની સંપૂર્ણ રકમ ભરીને તેની સત્તાવાર સ્લિપ રજૂ કર્યા બાદ જ દસ્તાવેજ માટેની અરજી સ્વીકારાશે, જો એમાં વધારાનું બાંધકામ હશે તો 10 દિવસમાં સ્થળ તપાસ કરી 30 દિવસમાં દસ્તાવેજની પ્રક્રિયા પુરી કરવામાં આવશે.
આ 4 શ્રેણીના રહીશો માટે પાકો દસ્તાવેજ કરાવવો અનિવાર્ય
ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં રહેતા નીચે મુજબના ચાર પ્રકારના રહીશોએ પોતાના મકાનનો કાયદેસરનો દસ્તાવેજ કરાવી લેવો ફરજિયાત છે:
કાયદેસરના વારસદારો: મકાનના મૂળ માલિકના અવસાન બાદ તેમના વારસદારોએ પેઢીનામું અને જરૂરી દસ્તાવેજો રજૂ કરીને બોર્ડના રેકોર્ડ પર વારસાઈ નોંધ કરાવી દસ્તાવેજ પૂર્ણ કરવો પડશે.
રિડેવલપમેન્ટ હેઠળની વસાહતોના રહીશો: જે જૂની વસાહતો રિડેવલપમેન્ટ (પુનઃવિકાસ) માં જઈ રહી છે, તેના દસ્તાવેજ વિનાના રહીશોએ મકાનનું ટાઈટલ ક્લિયર કરવા માટે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય છે.
રી-સેલ ખરીદદારો: જે લોકોએ નોટરાઈઝ્ડ કરાર, બાનાખત કે પાવર ઓફ એટર્ની (POA) ના આધારે મકાન ખરીદ્યું છે, તેમણે નિયમ મુજબની ટ્રાન્સફર ફી ભરીને પોતાના નામે કાયદેસરનો દસ્તાવેજ કરાવવો જરૂરી છે.
મૂળ ફાળવણીદારો: જે ફાળવણીદારોએ લોન કે હપ્તાની સંપૂર્ણ રકમ ભરપાઈ કરી દીધી છે, તેમણે બોર્ડમાંથી ‘નો-ડ્યુઝ સર્ટિફિકેટ’ (No-Dues Certificate) મેળવીને પોતાના નામે પાકો દસ્તાવેજ કરાવી લેવો પડશે.


