અમદાવાદ : શહેરના નિર્ણયનગર વિસ્તારમાં આવેલી ત્રિશા હોસ્પિટલની પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં રોડ બનાવવાના કોન્ટ્રાક્ટરના માલસામાનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. પ્લોટમાં મોટા પ્રમાણમાં કેમિકલના ટીન અને ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી અને કેમિકલના ડ્રમ ફૂટવાનો અવાજ આવતા આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
રિપોર્ટ મુજબ, ભીષણ આગ મામલે ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કોર્પોરેશનના પ્લોટ નજીક રોડ બનાવવાનો કોન્ટ્રેક્ટ વિજય ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડને મળેલો હતો. જેમનો રબરની રિંગો અને રોડ બનાવવામાં ઉપયોગમાં લેવાતા કેમિકલ સહિતનો વધારાનો સામાન ઘટનાસ્થળે પડ્યો હોવાથી તેમાં અચાનક આગ ભભૂકી હતી. તેવામાં ધુમાડો નીકળતો દેખાતા ઘટનાસ્થળે હાજર સિક્યુરિટી ગાર્ડે તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી. આમ, ઘટનાની જાણ થતાની સાથે ફાયરની ટીમ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
આગની જાણ થતાં જ નવરંગપુરા ફાયર સ્ટેશનથી બે અધિકારીઓ સહિત ફાયર વિભાગની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં જ આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી હતી, જેના પગલે આસપાસના રહેણાંક વિસ્તારો અને હોસ્પિટલ તરફ આગ પ્રસરતી અટકી હતી. હાલ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ તંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


