અમદાવાદ : અમદાવાદ પોલીસને બગાસુ ખાતા પતાસું મળ્યું હોય તેવી ઘટના બની છે. જેમાં ચાંદખેડામાં એક એક્ટિવા ચાલક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે એક્ટિવાની ડેકી ખુલી જતાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. એક્ટિવાની ડેકીમાં દારુની બોટલનો ઢગલો જોવા મળતા લોકો ટોળે વળ્યા હતા. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ ઘટનામાં એક્ટિવા ચાલક ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. હાલ મોટેરા પોલીસે અજાણ્યા એક્ટિવા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ મુજબ, ચાંદખેડા વિસ્તારમાં સ્મશાન રોડ પર દેવનંદન હોરીઝોન ફ્લેટ નજીક કાર અને નંબર પ્લેટ વિનાના એક્ટિવા વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાતા પીસીઆર વાન સ્થળ પર પહોંચી હતી. એક્ટિવાની તપાસ કરતા તેમાંથી નાની-મોટી 11થી 14 જેટલી દારૂની બોટલો મળી આવી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને મોબાઈલમાં વીડિયો ઉતારી વાઇરલ કર્યો હતો, જેમાં એક મહિલા દેખાઈ રહી છે અને એક્ટિવા તેનું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ સમગ્ર મામલે મોટેરા પોલીસ સ્ટેશનના PI આર. વી. વીંછીએ જણાવ્યું હતું કે, “એક્ટિવા અને કાર વચ્ચે થયેલા અકસ્માત બાદ વાહનમાંથી દારૂની બોટલો મળી આવતા અજાણ્યા એક્ટિવા ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં નંબર પ્લેટ વિનાના એક્ટિવા સાથે એક મહિલા હોવાનું જણાય છે. આ મહિલા દ્વારા જ અકસ્માત સર્જાયો છે કે, કેમ અને દારૂની હેરાફેરીમાં તેની શું ભૂમિકા છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.” હાલ પોલીસે નંબર પ્લેટ ન હોવાથી એક્ટિવાના એન્જિન અને ચેસિસ નંબરના આધારે RTO રેકોર્ડ તપાસી તેના મૂળ માલિકને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરી છે.


