અમદાવાદ : અમદાવાદમાં રાત્રી ખાણીપીણી બજારમાં આરોગ્ય વિભાગની તવાઈ જોવા મળી છે. વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ફૂડ કોર્ટમાં AMC ના ફૂડ વિભાગે સઘન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી હતી. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી અંદાજે 55થી 60 જેટલા ખાણીપીણીના એકમોમાં તપાસ કરી અલગ અલગ ખોરાકના 50 નમૂના લેવાયા હતા.
રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા વસ્ત્રાપુર વિસ્તારમાં GMDC ગ્રાઉન્ડ નજીક સૌથી મોટા ફૂડ કોર્ટમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરેક ખાણીપીણીના સ્ટોલ અને લારીધારકના ખાવા પીવાની ચીજ વસ્તુઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.તપાસ દરમિયાન રો-મટીરિયલ, પનીર, બટર, મસાલા, આઈસ્ક્રીમ અને તૈયાર ખોરાક સહિતના આશરે 50 નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો કોઈ નમૂનો ફેઈલ થશે અથવા અખાદ્ય જણાશે તો સંબંધિત વેન્ડર ઉપરાંત એકમોનું સંચાલન કરતા મુખ્ય સંચાલકો સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગ મુજબ, શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રે ખાણીપીણીના મોટા બજારો ચાલતા હોય છે. નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ભીડછેડ વિનાનું ખાવા પીવાની ચીજ વસ્તુઓ મળી રહે તેના માટે ફૂડ કોર્ટમાં આજે સાંજથી જ ચેકિંગ હાથ ધરવાની પ્રક્રિયા ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવી છે. વસ્ત્રાપુર વિસ્તારમાં GMDC ગ્રાઉન્ડ પાસે ફૂડ કોર્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ખાવાનું બનાવવા માટેના રો-મટિરિયલ સહિતની ચીજ વસ્તુમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ફૂડ વિભાગની 7 ટીમ દ્વારા વસ્ત્રાપુર ફૂડ કોર્ટમાં 55 નાના-મોટા ફૂડ સ્ટોલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાણીપીણીના સ્ટોલ અને લારી ધરાવનારા લોકો દ્વારા પનીર, ઘી, તેલ, બટર, આઈસ્ક્રીમ, મસાલા તેમજ અન્ય ચીજ વસ્તુઓનો જે ઉપયોગ કરવામાં આવે છે તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જેમાં જો કોઈપણ ક્ષતિ જણાશે તો સ્ટોલ ધારક અને સંચાલન કરનાર બંને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.


