અમદાવાદ : આજે સવારે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના મેયર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામા કરવામાં આવ્યુ હતું. પરંતુ આંગળીના વેઢે ગણાય એટલા વિદ્યાર્થીઓ આવતા સમગ્ર કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેર મેયર દ્વારા ધોરણ-12 સાયન્સની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. અમદાવાદના મેયર કિરીટ પરમાર ધોરણ 12ના તેજસ્વી તારલાઓનું સન્માન કરવાના હતા. પરંતું અમદાવાદ શહેરનું પરિણામ ઓછું આવતા વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં પહોંચ્યા જ ન હતા. ટાગોર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ગેરહાજર હતા, અને AMC ના મોટા હોદ્દેદારો હાજર દેખાયા હતા. માત્ર 15-20 જ વિદ્યાર્થીઓ આવતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો.
દર વર્ષે AMC દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં શિક્ષણ વિભાગને સાથે રાખવામાં આવે છે. પરંતુ આ વર્ષે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સ્કૂલ વચ્ચે સંકલનના અભાવને કારણે વિદ્યાર્થીઓને મોડા જાણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને મોડા જાણ થતાં 11 વાગ્યાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ મોડા આવ્યા હતા. વિદ્યાર્થીઓ મોડા આવતા પદાધિકારીઓ ત્યાંથી માત્ર 15-20 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરીને પરત જતા રહ્યા હતા.


