અમદાવાદ : શહેરમાં ઝડપથી વધી રહેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ વચ્ચે જૂની સોસાયટીઓમાં રહેતા હજારો પરિવારો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ રહી છે. ખાસ કરીને જાે કોઈ સોસાયટી કે એપાર્ટમેન્ટની બાજુમાં રીડેવલપમેન્ટ અથવા ઊંડું ખોદકામ ચાલી રહ્યું હોય, તો ચોમાસામાં પડેલો ભારે વરસાદ અને લાંબા સમય સુધી જમીનમાં રહેલું પાણી આસપાસના જૂના મકાનો માટે ગંભીર જાેખમ ઊભું કરી શકે છે. નિષ્ણાતોના મતે, વરસાદ બંધ થઈ જાય એટલે જાેખમ પણ સમાપ્ત થઈ ગયું એવું માનવું ભૂલભર્યું છે. ઘણી વખત ખરેખરનું નુકસાન તો વરસાદ પછી ધીમે ધીમે સામે આવતું હોય છે.
તાજેતરમાં અમદાવાદમાં ભારે વરસાદ બાદ નારણપુરા, જાેધપુર સહિતના વિસ્તારોમાં બાંધકામ સાઇટો પર દિવાલ ધસી પડવાના બનાવોએ સમગ્ર શહેરનું ધ્યાન દોર્યું છે. જેમાં શહેરના નારણપુરામાં વિસ્તારમાં આવેલ અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ ચાલી રહ્યુ છે. તાજેતરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની નજીક આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટના મકાનોને થયેલા નુકસાન બાદ આસપાસની જૂની સોસાયટીઓમાં રહેતા લોકોમાં ચિંતા વધી છે.
માળખાકીય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ભારે વરસાદનું પાણી ઇમારતના પાયા, કૉલમ, બીમ અને સ્લેબમાં પ્રવેશી જાય છે. તેના કારણે સ્ટીલમાં સતત કાટ લાગવા લાગે છે અને માળખાકીય મજબૂતાઈ ધીમે ધીમે ઘટતી જાય છે. બહારથી ઇમારત સામાન્ય દેખાતી હોવા છતાં અંદરથી તેનું સ્ટ્રક્ચર નબળું બનતું રહે છે. પરિણામે પ્લાસ્ટર તૂટી પડવું, સ્લેબના ભાગો ખસી જવા, દિવાલોમાં તિરાડો પડવી અથવા ગંભીર માળખાકીય નુકસાન જેવી ઘટનાઓ કોઈપણ સમયે બની શકે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે રીડેવલપમેન્ટ સાઇટની બાજુમાં જમીનની સ્થિરતા બદલાય છે. વરસાદી પાણીના દબાણથી પાયો નબળો પડી શકે છે અને જૂના મકાનો પર વધારાનો ભાર આવવાથી અણધારી દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે.માળખાકીય ઇજનેરોનું માનવું છે કે 25 થી 30 વર્ષ કે તેથી વધુ જૂની સોસાયટીઓએ સમયાંતરે સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવી અનિવાર્ય છે. જાે મકાનમાં તિરાડો, પાણીનો સતત પ્રવેશ, સ્ટીલમાં કાટ અથવા અન્ય માળખાકીય ખામીઓ જાેવા મળે, તો તેને અવગણવી જીવલેણ સાબિત થઈ શકે છે.
આવી પરિસ્થિતિમાં સોસાયટીના સભ્યોએ વ્યક્તિગત મતભેદો, જૂના વિવાદો અને સ્વાર્થને બાજુએ રાખીને સમગ્ર સોસાયટીના હિતમાં એકમતથી ર્નિણય લેવો જાેઈએ. સમયસર રીડેવલપમેન્ટનો ર્નિણય માત્ર મિલકતનું મૂલ્ય વધારતો નથી, પરંતુ રહેવાસીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરે છે.
નિષ્ણાતોના મતે, રીડેવલપમેન્ટ માટે ખોટી માંગણીઓ કરતા સભ્યોને સમજાવી સાથે રાખીને ઊંચી ઓફર આપતા બિલ્ડરને પસંદ કરવાને બદલે અનુભવી, પ્રતિષ્ઠિત, આર્થિક રીતે સક્ષમ અને વિશ્વસનીય ડેવલપરને પ્રાથમિકતા આપવી જાેઈએ. પારદર્શક કરાર, યોગ્ય ટેક્નિકલ આયોજન, સ્ટ્રક્ચરલ સલામતી અને કાયદેસરની પ્રક્રિયા સાથે હાથ ધરાયેલ રીડેવલપમેન્ટ જ લાંબા ગાળે સુરક્ષિત અને સફળ સાબિત થાય છે.
અમદાવાદમાં વરસાદી મોસમ દરમિયાન બનેલી તાજેતરની ઘટનાઓએ સ્પષ્ટ કર્યું છે કે જૂની અને જર્જરિત સોસાયટીઓ માટે હવે રાહ જાેવાનો સમય રહ્યો નથી. નિષ્ણાતોનું માનવું છે કે સમયસર સ્ટ્રક્ચરલ ઓડિટ, સોસાયટીનો સર્વાનુમતે ર્નિણય અને યોગ્ય રીડેવલપમેન્ટ દ્વારા જ ભવિષ્યમાં મોટી દુર્ઘટનાઓ અટકાવી શકાય છે. વરસાદ બંધ થયા પછી જાેખમ સમાપ્ત થઈ ગયું છે તેવી માન્યતા રાખવાને બદલે સાવચેતી અને પૂર્વ આયોજન અપનાવવું એ જ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે.
જર્જરિત કર્ણાવતી વિ-૨ અને લક્ષ્મીકૃપા વિ-૨ના રીડેવલપમેન્ટ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
અમદાવાદ : શહેરના સોલા રોડ, નારણપુરા ખાતે આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની કર્ણાવતી વિ-2 અને લક્ષ્મીકૃપા વિ-2 યોજનાના જર્જરિત મકાનોના રીડેવલપમેન્ટ માટે તાત્કાલિક ટેન્ડર બહાર પાડવા અથવા સત્તા અનુસાર ઓફર દ્વારા કામગીરી સોંપવાની માંગ ઉઠી છે. આ અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે બંને યોજનાઓના એક રૂમ-રસોડાના (1 HK) મકાનોને આશરે ૪૦ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવાથી હાલ મકાનો અત્યંત જર્જરિત અને જાેખમી હાલતમાં પહોંચી ગયા છે. અહીં વસવાટ કરતા મોટાભાગના પરિવારો આર્થિક રીતે નબળી સ્થિતિમાં હોવાથી તેઓ માટે અન્યત્ર સ્થળાંતર કરવું મુશ્કેલ બન્યું છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે નજીકમાં આવેલી સૂર્યા વિ-2 યોજનાનું રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. તે દરમિયાન ડાયા ફાર્મ વોલ તૂટી પડતાં કર્ણાવતી વિ-2 અને લક્ષ્મીકૃપા વિ-2 ના ચાર બ્લોક વધુ જાેખમી બન્યા છે. પરિણામે 48 પરિવારોને પોતાની સલામતી માટે મકાનો ખાલી કરવાની ફરજ પડી છે, જ્યારે અન્ય રહેવાસીઓ પણ સતત ભયના માહોલમાં જીવન જીવી રહ્યા છે.
રહેવાસીઓએ ગુજરાત હાઉસિંગ બોર્ડને માનવજીવનની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી બંને યોજનાઓના રીડેવલપમેન્ટનું ટેન્ડર તાત્કાલિક બહાર પાડવા અથવા સત્તા અનુસાર ઓફર દ્વારા કામગીરી સોંપી વહેલી તકે કામ શરૂ કરવાની માંગ કરી છે.
રજૂઆતમાં એ પણ માંગ કરવામાં આવી છે કે યોજનાઓ મૂળ MIG શ્રેણીની હોવાથી સરકારની રીડેવલપમેન્ટ નીતિ મુજબ રહેવાસીઓને 40 ટકા વધારાના ક્ષેત્રફળ અથવા 50 ચોરસ મીટર (જે વધુ હોય તે) મુજબ 2 BHKનું મકાન ફાળવવામાં આવે. ઉપરાંત, રીડેવલપમેન્ટ દરમિયાન નિયમ મુજબ ભાડું ચૂકવવામાં આવે જેથી રહેવાસીઓ સુરક્ષિત સ્થળે રહેવાની વ્યવસ્થા કરી શકે.
પૂર્વ કોર્પોરેટર તથા લોકતંત્ર સેનાની ઉત્તમ સુરતી અને ગુજરાત હાઉસિંગ બોર્ડ વસાહત મંડળના પ્રમુખ દિનેશ બારડે જણાવ્યું હતું કે આ પ્રશ્ન સીધો રહેવાસીઓની સલામતી સાથે જાેડાયેલો હોવાથી સરકાર અને હાઉસિંગ બોર્ડે વિલંબ કર્યા વગર તાત્કાલિક ર્નિણય લઈ રીડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ કરવી જરૂરી બની છે.


