અમદાવાદ : છેલ્લા બે વર્ષથી બંધ કરી દેવાયેલી PM મોદીનો ડ્રીમ પ્રોજેકટ સી-પ્લેન સેવા ફરીથી શરૂ કરવા માટે સરકારે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત સી પ્લેનના રૂટ વધારવા અને ધાર્મિક-પ્રવાસન સ્થળોનો સમાવેશ કરી એક કરતા વધુ સ્થળોને સાંકળવામાં આવે તો સી પ્લેન ચલાવતી કંપનીને વધુ ટ્રાફિક મળે તેવા વિકલ્પ ઉપર પણ વિચારણા ચાલી રહી છે. ધરોઈ ખાતે સી પ્લેન ઉતરી શકે તે માટે જેટ્ટી બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે.
PM મોદીનો ડ્રીમ પ્રોજેકટ અમદાવાદથી ધરાઈ સી પ્લેનનો રૂટ ચાલુ કરીને યાત્રાળુઓ અંબાજીના દર્શન પણ કરીને આવે તેવા રૂટની વિચારણા પણ શરૂ કરાઈ છે. આ અગાઉ સી પ્લેન પ્રોજેકટ દેશભરમાં અમદાવાદ રિવરફ્રન્ટથી-કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂટ ઉપર શરૂ કરવામાં આવ્યો હતો. આ માટે રાજય સરકારે 13.15 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો. તેમ છતાં ઓછા મુસાફરો મળતા અને સી પ્લેન ચલાવતી કંપનીને આર્થિક ફાયદો ન થતા સેવા બંધ કરી દેવામાં આવી હતી.
નાગરિક ઉડ્ડયન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સી પ્લેન સેવા પુન: કાર્યરત કરવા મીટિંગ યોજાઈ રહી છે. સરકાર પોતે સી પ્લેનની ખરીદી કરે તો તે માટેનો ખર્ચ અને પાયલોટ સહીતનો મોટો ખર્ચ ભોગવવો પડે તેમ છે. તેની સામે સી પ્લેન ચલાવવા માગતી કંપનીઓ સરકાર પાસેથી જે સહાયની અપેક્ષા રાખે છે તે કેટલી આપવી અને હવે પછી સી પ્લેન સેવા બંધ ન થાય તે રીતે શરૂ કરવા વિવિધ રીતે વિચારણા શરૂ થઈ ગઈ છે. તેમાં કેવડિયાના રૂટ સવારથી સાંજ સુધી વધારી શકાય કે નહીં,
સી પ્લેન સેવા ફકત કોઈ એક રૂટ ઉપરાંત અન્ય સાઈટ સિઈંગ ઉપર પણ શરૂ કરી શકાય કે નહીં તેની પણ શકયતા ચકાસાઈ રહી છે. ધરાઈ ખાતે જેટ્ટી બનાવવાનું કામ ઝડપથી પૂર્ણ કરવા પણ સૂચના અપાઈ છે. તેથી સી પ્લેનના રૂટમાં ધરોઈનો ઉમેરો કરી શકાય. રાજયમાં અન્ય સાપુતારા લેક, શેત્રુંજી ડેમ વિગેરે સ્થળોએ પણ સી પ્લેન સેવા શરૂ કરવાનું આયોજન કરાયેલું છે. સી પ્લેન સેવામાં ધાર્મિક સ્થળોને સાંકળી શકાય તો વધુ મુસાફરો મળે અને કંપનીને ફાયદો થાય તે અંગે પણ વિચારણા ચાલી રહી છે.