અમદાવાદ : અદાણી અમદાવાદ મેરેથોનની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી ત્યારે તેની સાતમી આવૃત્તિ આ વખતે 26મી નવેમ્બરે યોજાશે. આ માટેની નોંધણી શરૂ થઈ ગઈ છે. આ વર્ષની મેરેથોન 26મી નવેમ્બરે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા મનોહર રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક, પાલડી ખાતે શરૂ થશે અને તે જ સ્થળે સમાપ્ત થશે.આ દોડમાં 20 હજારથી વધુ લોકો અને 2500 સુરક્ષા જવાનો દોડશે.
રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક, પાલડી ખાતેથી મેરેથોન શરૂ થશે અને ત્યાં જ પૂરી થશે. દોડવીરો સવારે 5 વાગે ફ્લેગ ઓફ થયા બાદ ફૂલ મેરેથોન (42.195 કિમી), હાફ મેરેથોન (21.097 કિમી), 10 કિ.મી., 5 કિ.મી દોડશે. આ વખતે વિશેષ આમંત્રિત દિવ્યાંગો માટે 1 કિ.મી.ની વ્હિલચેર કેટેગરી પણ છે. દોડવીરોની સુરક્ષા અને ટ્રાફિક ડાયવર્ઝન માટે 1000 જેટલા પોલીસકર્મીઓ તૈનાત રહેશે. 400 જેટલા વોલેન્ટિયર્સ ઉપરાંત મેડિકલ નર્સિંગ સ્ટાફ પણ મેરેથોન સાથે જોડાયેલ રહેશે. અટલ બ્રિજની સામે મલ્ટીલેવલ પાર્કિંગ સહિત કુલ 2 પાર્કિંગની વ્યવસ્થા છે. દોડવીરોએ ટાઉનહોલ થઈ પાર્કિંગ સુધી પહોંચવાનું રહેશે, ત્યાંથી ચાલી સ્ટાર્ટિંગ પોઈન્ટ સુધી પહોંચી શકાશે.
મેરેથોનને કારણે સવારે 4 વાગ્યાથી અંજલિ ચાર રસ્તાથી આંબેડકર બ્રિજની નીચેથી પશ્ચિમ તરફનો સંપૂર્ણ રિવરફ્રન્ટ રોડ ઈવેન્ટ પૂર્ણ થવા સુધી બંધ રહેશે. સુભાષબ્રિજથી વાડજ સુધીનો જતો માર્ગ તથા શિલાલેખથી સુભાષબ્રિજ તરફ જતો માર્ગ એકતરફનો ભાગ મેરેથોન પૂર્ણ થવા સુધી બંધ રહેશે. પૂર્વમાં શિલાલેખ ચાર રસ્તાથી પિકનિક હાઉસ થઈ ડફનાળાથી આંબેડકરબ્રિજ સુધીનો રિવરફ્રન્ટ પૂર્વનો માર્ગ બંધ રહેશે. પશ્ચિમમાં લોકો અંજલિથી પાલડી-ઉસ્માનપુરાવાળા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકે છે.
મેરેથોનના રૂટ પર ઘણાં પોલીસકર્મીઓ એવા રહેશે જેઓ જરૂર પડે તો જે-તે દોડવીર કે અન્યને CPR ટ્રીટમેન્ટ આપી શકે. આ સિવાય મેરેથોનનાં રૂટ પર 15 (રોડની બંને તરફ) જેટલા હાઈડ્રેશન અને મેડિકલ પોઈન્ટ રહેશે. 9 જેટલી 108 એમ્બ્યુલન્સ આઈસીયુ જેવી વ્યવસ્થા સાથે તૈયાર રહેશે.