અમદાવાદ : તમને જાણીને કદાચ નવાઈ લાગશે પરંતુ દરરોજ એક વ્યક્તિ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે.એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં 20 સ્પોટ અકસ્માત છે જેને આઇડેન્ટિફાઇ કરીને તેના ઉપર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે કે કેવી રીતે આ મૃત્યુના આંકડાઓ ઘટાડી શકાય. આ જોખમી સ્પોટ વિશેની માહિતી તમને પણ હોવી જોઇએ જેથી તમે પણ સતર્ક રહી શકો.
સૌથી વધારે જોખમી સ્પોટ
જૂના વાડજ સર્કલ
ઇસ્કોન બ્રિજ
નારોલ સર્કલ
પીરાણા રોડ
ઉજાલા સર્કલ
સારંગપુર સર્કલ
લાંભા ટર્નિગ રોડ
શહેરના 20 જોખમી સ્પોટ પૈકી આ 7 જેટલા સૌથી વધારે જોખમી સ્પોટ પર સૌથી વધુ અકસ્માત સર્જાઈ રહ્યા છે. જો કે અકસ્માત અટકાવવા માટે ટ્રાફિક વિભાગ દ્ધારા જુદી જુદી એજન્સીઓ મદદ મેળવી રિસર્ચ કરાવ્યુ છે. જેમાં મોટા ભાગે થતાં અકસ્માત રાત્રે કે વહેલી સવારે થઇ રહ્યા છે. કારણકે હાઇવે પરનો રોડ ખુલ્લો હોવાથી વાહનચાલકો પૂરઝડપે વાહન હંકારતા હોવાથી બેદરકારીથી અકસ્માતના કિસ્સાઓ સામે આવ્યા છે. જેને લઇને જરૂર હોય ત્યાં સ્પીડબ્રેકર મુકવાની કામગીરી, વાહનચાલકનુ વિઝન કપાતું હોય તેને ધ્યાને રાખીને દબાણો દુર કરવા જેવા અલગ અલગ પગલાંઓ ટ્રાફિક વિભાગ લઇ રહ્યા છે.
અકસ્માત થવાના મુખ્ય કારણો
બંન્ને બાજુ રહેણાક, ઓદ્યોગિક વિસ્તાર
વળાંક કે શાર્પ વળાંકવાળા રોડ
હાઇવે પર ચાર રસ્તાના કારણે
સ્પીડ બ્રેકરના અભાવના કારણે
દ્વી-માર્ગીય રોડ પછી એક માર્ગીય રોડ
ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ સૌથી વધારે અકસ્માતનું કારણ બન્યુ છે. ઓવરસ્પીડ પણ મુખ્ય કારણ બન્યુ છે. વર્ષ 2022 માં 1793 લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં 488 લોકો મોતને ભેટ્યા છે. જેમાં 720 લોકોને ગંભીર ઈજા અને 585 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. ચાલુ વર્ષે નવેમ્બર માસ સુધીમાં 1693 લોકો અકસ્માતનો ભોગ બન્યા છે. જેમાં 480 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 642 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
શહેરમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ પણ યોજવામાં આવી છે, આમ છતાં વાહન ચાલકો પોતાની બેદરકારીને છોડી સલામત વાહન હંકારવા જાગૃતિ કેળવી રહ્યા નથી. જેના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડે છે અને ઈજાગ્રસ્ત થતા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
શહેરના જુના વાડજ સર્કલ, સત્તાધાર સર્કલ, નરોડા પાટીયા રાજીવ ગાંધી ભવન, હાઈકોર્ટ સામેનો બ્રિજ, ઈસ્કોન બ્રિજ, વસ્ત્રાલ ચાર સહિતના 10 થી 12 સ્પોટ અકસ્માત માટે જોખમી સ્થળ તરીકે ઓળખવામાં આવ્યા છે.