અમદાવાદ : 31st પહેલા જ ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના બુટલેગરના નવા કિમીયોનો અમદાવાદ પોલીસે પર્દાફાશ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, PCBને માહિતી મળી હતી કે બાવળાથી પસાર થતા ટેન્કરમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. આ માહિતીના આધારે પોલીસે બાવળા પોલીસને સાથે રાખી બાવળા નજીકથી પસાર થતા ટેન્કરને રોક્યુ હતું. ટેન્કરની તપાસ કરતા ટેન્કરની અંદરથી 400 વિદેશી દારૂની બોટલનો જથ્થો હાથ લાગ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ PCB ટીમે ચોક્કસ માહિતી આધારે બાવળા પોલીસ સાથે સંયુક્ત કામગીરી કરી બાવળા રોડ પરથી દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું છે. જેમાં પોલીસે દારૂની 400 વધુ પેટી હોવાનું સામે આવ્યું છે. આ એસિડ ભરવાના ટેન્કરની આડમાં દારૂની પેટીઓ મુકીને લઇ જવામાં આવી રહ્યો હતો. જે અંગે PCB ની ટીમને ચોક્કસ માહિતી મળતા અમદાવાદથી તેનો પીછો કર્યો અને ગ્રામ્ય વિસ્તારમાંથી આ ટેન્કરને બાવળા પોલીસની ટીમને સાથે રાખી પકડી પાડ્યું હતું.
ટેન્કરની ઉપર સલ્ફ્યુરિક એસિડ લખવામાં આવ્યું હતુ પરંતુ પોલીસે ટેન્કરની અંદર તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી પૂછપરછ કરી હતી. તેણે પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો ઉદયપુરથી લવાયો હતો. પોલીસે દારૂનો જથ્થો કોણે મોકલ્યો હતો અને કોણે મંગાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી હતી.