અમદાવાદ : અમદાવાદમાં ચાલુ પરેડ દરમિયાન પોલીસકર્મીને હાર્ટ એટેક આવતાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસકર્મીને છાતીમાં દુખાવો થતાં ત્યાં જ ઢળી પડ્યા હતા. સાથી પોલીસકર્મીઓ દ્વારા તેમને સીપીઆર (CPR) આપીને જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ નિષ્ફળતા મળતા નિધન થયું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સોમવારે સવારે ગોમતીપુર હેડ ક્વાર્ટર ખાતે પરેડ ચાલતી હતી. તે દરમિયાન પોલીસકર્મી અર્જુનસિંહ (ઉ.વ.32) ને અચાનક છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસ કોન્સ્ટેબલના હાર્ટએટેકથી નિધન બાદ પોલીસ બેડામાં શોકનો માહોલ જોવા મળ્યો છે.વટવા GIDC પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અર્જુનસિંહ ગોમતીપુર હેડક્વાર્ટર ખાતે પરેડમાં હાજર હતા. આ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.
નિષ્ણાતોના મતે હાર્ટ એટેક આવ્યા પછી 5 મિનિટની અંદર CPR શરૂ કરી દેવો જોઈએ. આના દ્વારા ઓક્સિજન યુક્ત લોહી એટલે કે ઓક્સિજન વહન કરતું લોહી મગજના કોષો સુધી પહોંચતું રહે છે. આને કારણે, મગજના કોષો જીવિત રહે છે અને હૃદયને તેની સામાન્ય સ્થિતિમાં પાછા આવવા માટે સંદેશ આપતા રહે છે. જેના કારણે હૃદયના ધબકારા ફરીથી ચાલુ થાય છે.
CPR એ જીવન સુરક્ષાનું પ્રાથમિક પગલું છે, જેની મદદથી હૃદય અને ફેફસાંને સંપૂર્ણ રીતે જીવંત રાખવામાં આવે છે. આમાં સલામતીનું ધ્યાન રાખવું જોઈએ. કાર્ડિયાક અરેસ્ટના કિસ્સામાં, દર્દીનો પ્રતિભાવ જોવામાં આવે છે કે તે જીવિત છે કે બેભાન છે. જો તે જવાબ ન આપે તો તરત જ તબીબી મદદ લેવી જોઈએ. દર્દી હોસ્પિટલમાં પહોંચે ત્યાં સુધી તેની પલ્સ રેટ તપાસવી જોઈએ. ગળાથી પણ નાડી (કેરોટીડ પલ્સ) તપાસતા રહેવું જોઈએ. આ પલ્સ દર 10 સેકન્ડે ચેક કરવાની હોય છે. જો કેરોટીડ પલ્સ અને શ્વાસ ન મળે તો છાતીને દબાવો. આ પણ CPR નો એક ભાગ છે.