ગાંધીનગર : ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મહત્વના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો. રાજ્યમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. કોઈ પણ પ્રસંગમાં ફટાકડા નહીં ફોડી શકાય. કોઈ કાર્યક્રમમાં ડ્રોન પણ ઉડાવી નહિ શકાય. 15 મે સુધી આ પ્રતિબંધ લાગુ રહેશે. ગૃહ રાજ્ય મંત્રીએ તમામ પોલીસ અધિક્ષકોને જાહેરનામા બહાર પાડવા આદેશ કર્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ હતી. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના તમામ મહાનગરોના પોલીસ કમિશનર, રેન્જ વડા, જિલ્લા પોલીસ વડા સહિત સાયબર ક્રાઇમના અધિકારીઓ જોડાયા હતા.આ બેઠકમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો અને જણાવ્યું હતું કે, 15 મે 2025 સુધી કોઈપણ પ્રકારના જાહેર કાર્યક્રમ કે ઇવેન્ટમાં ફટાકડા ફોડવા તથા ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પગલા પાછળનો મુખ્ય હેતુ રાજ્યમાં શાંતિ અને સુરક્ષા જાળવવાનો છે. સરકાર અને પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ આ નિયમોનું પાલન કરે અને રાજ્યની શાંતિ જાળવવામાં સહયોગ આપે.આ સિવાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશ વિરોધી તેમજ સેનાનું મનોબળ તુટે તે પ્રકારના લખાણો પોસ્ટ કરનાર લોકો સામે સઘન ધ્યાન રાખવામાં આવશે અને આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સૂચના આપી છે.
આ ઉપરાંત આર્મી-સૈન્યની મૂવમેન્ટ અંગે કોઈ પણ પ્રકારની માહિતી શેર કરનાર કે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરનાર સામે પણ કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. તેમણે ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઈ, જમીની અને હવાઈ સીમાથી જોડાયેલા જિલ્લાઓને હાઈએલર્ટ પર મૂકવામાં આવેલા છે તે સંદર્ભમાં વહીવટી તંત્ર, પોલીસ અને અન્ય વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ પાસેથી તેમના જિલ્લામાં હાથ ધરાઇ રહેલી સુરક્ષા-સલામતીની આગોતરી વ્યવસ્થાની વિગતો પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા મેળવી હતી.