અમદાવાદ : અમદાવાદમાં વધુ એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના રાણીપમાં આવેલા ટ્રાન્સ ક્યુબ પ્લાઝામાં ઓફિસ શરૂ કરીને યુવકે 100 દિવસમાં 25 ટકા વળતર અને 20 મહિનાના રોકાણમાં બમણા નાણાં કરી આપવાની ખાતરી આપીને તેના સાસરીના લોકો સહિત અનેક લોકોને લાખો રૂપિયાનો ચુનો લગાવ્યો હોવાની ફરિયાદ વાડજ પોલીસ મથકે નોંધવામાં આવી છે વાડજ પોલીસે આ અંગે ગુનો નોંધીને છેતરપિંડી આચરનાર યુવકની ધરપકડ કરી છે.આરોપી છેલ્લા ઘણા સમયથી લોકો સાથે રોકાણનાં નામે છેતરપિંડી કરતો હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદનાં વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર, આરોપી ડેનિસ મકવાણા છેલ્લા દોઢ વર્ષથી રાણીપ વિસ્તારમાં આવેલી અર્વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝામાં પોતાની ફીનકેપ-24 નામની કંપનીની ઓફિસ ધરાવતો હતો. આરોપી ડેનિસ પોતાનાં સગા-સંબંધીઓ અને મિત્રોને વધુ નફો અને વળતરની લાલચ આપીને પોતાની કંપનીમાં રોકાણ કરાવતો હતો. જો કે, રોકાણ કર્યાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ ડેનિસે નફો કે મૂડી પરત ન કરી રોકાણકારો સાથે છેતરપિંડી આચરી હતી. આ મામલે પોલીસે ફરિયાદનાં આધારે કાર્યવાહી કરી આરોપી ડેનિસ મકવાણાની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફીનકેપ-24 કંપનીનો પ્રોપરાઇટર ડેનિસ મકવાણા પોતાની કંપનીમાં રોકાણ કરવાનું કહીને સગા-સંબંધીઓ અને મિત્રો પાસેથી પૈસા લેતો હતો. વોટ્સએપનાં માધ્યમથી તેની કંપનીમાં રોકાણ કરવા માટે લોકોને આકર્ષક સ્કીમો જેમ કે 6 મહિનામાં 25% અને 40 મહિનામાં રૂપિયા ડબલ કરી આપવા જેવી લાલચ આપતો હતો. આવી અલગ-અલગ 3 થી 4 જેટલી સ્કીમો પોસ્ટરનાં માધ્યમથી તેના મિત્રો અને પરિચિતોને મોકલતો હતો.
શરૂઆતનાં 3 થી 4 મહિના સુધી લોકોને રોકેલા રૂપિયા પર નફો આપતો હતો પરંતુ, ત્યાર બાદમાં વળતર કે મૂડી આપવાનું બંધ કરી દીધું હતું. અત્યાર સુધીમાં આરોપીએ 3 થી 4 લોકો પાસેથી રૂ. 24 લાખથી વધુની રકમની છેતરપિંડી કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.