અમદાવાદ : જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારત દ્વારા શરૂ કરાયેલ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના મુખ્ય શહેરોને નિશાન બનાવ્યા. પાકિસ્તાનને ઇસ્લામાબાદ, લાહોર, કરાચી, સિયાલકોટ અને બહાવલપુર જેવા શહેરોને નિશાન બનાવીને આતંકવાદનો જવાબ આપવામાં આવ્યો. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે પાકિસ્તાને ભારતના અનેક શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.
ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારતના સરહદી વિસ્તારોને ટાર્ગેટ કરતાં હુમલા કર્યા હતા. પાકિસ્તાન તરફથી જમ્મુમાં ઘણી જગ્યાએ હુમલા કર્યા હતા, પરંતુ ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમ આ હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. ભારતે જમ્મુ, પઠાણકોટથી લઈને રાજસ્થાનના બોર્ડર વિસ્તારના જિલ્લાઓમાં બ્લેક આઉટ કરી દીધું હતું.
આ તરફ બલુચિસ્તાનમાં પણ પાકિસ્તાન સેના પર હુમલો થયો હતો. BLA એ દાવો કર્યો છે કે, તેણે બલુચિસ્તાનના મોટાભાગના ભાગો પર કબજો કરી લીધો છે. આ ઉપરાંત પાકિસ્તાન સુપર લીગ પણ શિફ્ટ કરવામાં આવી છે હવે બાકીની મેચો દુબઈમાં રમાશે. ક્વેટામાં પાકિસ્તાની સૈન્ય મથકો પર શ્રેણીબદ્ધ હુમલાઓ થયા. પાકિસ્તાની સેનાના ફ્રન્ટિયર કોર્પ્સ મુખ્યાલયને બંદૂકધારીઓએ નિશાન બનાવ્યું હતું. ગોળીબાર થયા અને ત્યારબાદ અનેક વિસ્ફોટ થયા.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી અને એનએસએસ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) માર્કો રુબિયો સાથે વાતચીત કરી છે. તેમણે X પર લખ્યું છે કે, ‘8 મેની સાંજે માર્કો રુબિયો સાથે વાત થઈ છે. આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સહકાર આપવાની અમેરિકાની પ્રતિબદ્ધતાની ખૂબ પ્રશંસા કરું છું. તેમણે સરહદ પારના આતંકવાદ સામે ભારતના લક્ષિત અને સંતુલિત પ્રતિક્રિયા પર ભાર મૂક્યો છે. ’