અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે.શહેર પોલીસ કમિશનર અને સેક્ટર-01ના અધિક પોલીસ કમિશનર દ્વારા દારૂબંધીના કડક અમલ અને બુટલેગરો પર વોચ રાખવાની સૂચનાના પગલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ચાંદલોડીયા વિસ્તારમાં રેઇડ કરી લાખોની કિંમતના વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એક રીઢા આરોપીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ જ્યારે પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી, ત્યારે કોન્સ્ટેબલ રમેશકુમાર ભુપતભાઈ અને રાકેશભાઈ આલાભાઈને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ચાંદલોડીયા રામબાગ આવાસ ઔડાના મકાન નંબર 16/500 ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી અલ્પેશ ઉર્ફે ભુટ્ટો ખોડાજી પરમાર (ઉં.વ. 30, રહે. સાબરમતી) નામના ઇસમને ઝડપી પાડ્યો છે.પોલીસે સ્થળ પરથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી કુલ 720 નંગ મુદ્દામાલ સાથે કુલ ₹3,06,480/- મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની સામે સોલા હાઈકોર્ટ, સાબરમતી, અસલાલી, મહેસાણા અને ઉંઝા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અંદાજે 7 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
આ સફળ કામગીરીમાં પી.એસ.આઈ. એસ.જે. દેસાઈ તથા કોન્સ્ટેબલ ભરતભાઈ, સંજયભાઈ, રમેશકુમાર અને રાકેશભાઈ સહિતના સ્ટાફના માણસો જોડાયા હતા. હાલમાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


