અમદાવાદ : અમદાવાદ શહેરમાં કાયદાનો ડર જાણે ઓસરી રહ્યો હોય તેમ પોલીસકર્મીઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. આનંદનગર વિસ્તારમાં બંદોબસ્તમાં તહેનાત એક હેડ કોન્સ્ટેબલ પર કમલસિંહ પરમાર નામના શખસે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આટલેથી ન અટકતા, આરોપીએ પોલીસ સ્ટેશનમાં જઈને સીસીટીવીના ટીવી સાથે માથું ભટકાડી તોડફોડ કરી પોલીસને જ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.આ સમગ્ર મામલે આનંદ નગર પોલીસે યુવક સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ફરિયાદ નોંધાવી છે કે, 11મી એપ્રિલના રોજ હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ અને ડ્રાઈવર વિક્રમસિંહ ગોપાલ આવાસ ઔડાના ગેટ પાસે ફરજ પર હતા. અગાઉ આરોપીના ભાઈ વિજય પરમારે ડૉ. બાબાસાહેબ આંબેડકરના ધ્વજને નુકસાન પહોંચાડ્યું હોવાથી વિસ્તારમાં શાંતિ જળવાય તે માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. સવારે 11 વાગ્યે આરોપી કમલસિંહે એક દુકાનદાર સાથે ઝઘડો શરૂ કર્યો હતો, જેમાં સમજાવવા ગયેલી પોલીસ પર તે ઉશ્કેરાયો હતો.
કમલસિંહે એક પોલીસ કર્મચારીના અંગૂઠા પર બચકું પણ ભરી લીધું હતું. પોલીસે કમલસિંહને ગાડીમાં બેસાડ્યા અને પોલીસ સ્ટેશન લાવ્યા હતા ત્યારે રસ્તામાં કમલસિંહે પોલીસના પટ્ટા ટોપી ઉતારી દેવાની ધમકી આપી હતી અને કઈ રીતે નોકરી કરો છો તેવુ કહ્યું હતું.જે બાદ કમલસિંહને સર્વેલ્ન્સ સ્કોડની ઓફિસમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમણે કહ્યું કે હું મારું માથું ભટકાવીને ઇજા કરી તમારા વિરુદ્ધમાં ખોટી ફરિયાદ કરીશ.
કમલસિંહે સીસીટીવી માટે લગાવેલા ટીવી પર માથું ભટકાવી ટીવીની ડિસ્પ્લે તોડીને 50 હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું. કમલાસિંહે કરેલા હંગામા બાબતે આનંદનગર પોલીસે ફરિયાદ નોધી આરોપીની ધરપકડ કરી છે.


