અમદાવાદ : અમદાવાદના પશ્ચિમના વિસ્તારમા છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીની ફરિયાદો વધી રહી હતી. જેને લઈને પોલીસ પણ સક્રિય બની હતી. ઘાટલોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલી સુઝુકી ઝિક્સર મોટરસાયકલ સાથે એક આરોપીને એલસીબી ઝોન-1ની ટીમે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં એલસીબી ઝોન-1ના પોલીસ ઇન્સ્પેક્ટર જી.કે. ચાવડાની સૂચના મુજબ તેમનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી આરોપીને ચોરીની બાઈક સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ 20 વર્ષીય ચેતન રણછોડભાઈ નનોમા તરીકે થઈ છે.
આરોપીની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, હાલ તે ચાંદલોડિયા રેલવે સ્ટેશન નજીક ગણેશનગર વિસ્તારમાં રહે છે અને મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના જોથરી તાલુકાના મહુડી ગામનો રહેવાસી છે.પોલીસે આરોપી પાસેથી અંદાજે રૂ. 25 હજાર કિંમતની સુઝુકી ઝિક્સર મોટરસાયકલ કબજે કરી છે. પોલીસે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.


