અમદાવાદ : અમદાવાદના વ્યસ્ત કાલુપુર રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. લગભગ ₹2,400 કરોડના ખર્ચે તૈયાર થતું આ પ્રોજેક્ટ શહેરને વિશ્વ કક્ષાનું મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ આપશે. કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન અશ્વિની વૈષ્ણવે અમદાવાદ ખાતે રેલવે, અમદાવાદના અદ્યતન બની રહેલ રેલવે સ્ટેશન તથા અન્ય મહત્વપૂર્ણ વિષયો અંગે વાત કરી હતી.
રિપોર્ટ મુજબ, આ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેશન પર બે 16 માળના ટાવર બનાવવામાં આવી રહ્યા છે, જેને નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક તરીકે ઓળખવામાં આવશે.અમદાવાદ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, અમદાવાદ સ્ટેશન પુનર્વિકાસ પ્રોજેક્ટનું કાર્ય ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. નવા બની રહેલા અમદાવાદના રેલવે સ્ટેશનની નવી ઇમારતનું નિર્માણ 13મા માળ સુધી પહોંચી ગયું છે.
અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસનો ઉદ્દેશ મુસાફરોને આધુનિક, સુવિધાજનક અને વધુ સારી મુસાફર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ સ્ટેશનને ભવિષ્યની મુસાફર જરૂરિયાતોને અનુરૂપ વિકસાવવાનો છે.સ્ટેશનના પુનર્વિકાસના કાર્યોમાં મુસાફર સુવિધાઓ, વધુ સારી કનેક્ટિવિટી તેમજ મલ્ટીમોડલ એકીકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશનોના પુનર્વિકાસમાં મુસાફરોની સુવિધા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરીને તબક્કાવાર રીતે કામ કરવાની નીતિ અપનાવવામાં આવી રહી છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે, અમદાવાદ મુલાકાત દરમિયાન રેલવે સંબંધિત વિવિધ વિકાસ કાર્યો અને પ્રોજેક્ટોની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી.આ અગાઉ જુલાઈ 2026માં અશ્વિની વૈષ્ણવે અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ સાથે સંકળાયેલા કાર્યો સહિત શહેરની વિવિધ રેલવે પરિયોજનાઓ અંગે અધિકારીઓ અને ચૂંટાયેલા ધારાસભ્ય અને સાંસદો સાથે સમીક્ષા પણ કરી હતી.
અમદાવાદ રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ ગુજરાતના મુખ્ય રેલવે માળખાકીય વિકાસ કાર્યોમાંનો એક છે, જેના માધ્યમથી ભવિષ્યની મુસાફર જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્ટેશન પરિસર અને મુસાફર સુવિધાઓને આધુનિક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.


