અમદાવાદ : શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા કલાસાગર હાઇટ્સ ખાતે રહેતા ગણેશ ભક્ત પૂજા નંદેરિયા છેલ્લા 19 વર્ષથી ગણેશ ચતુર્થીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી રહ્યા છે. જેમાં છેલ્લા 11 વર્ષથી તેઓ પોતાના ઘરે જ માટીમાંથી ઈકો-ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિ બનાવી તેની સ્થાપના અને ઘરે જ વિસર્જન કરે છે અને ગણેશ ઉત્સવની ભારે ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરે છે.
ગણેશ ભક્ત પૂજા નંદેરિયા જણાવે છે કે શરૂઆતના વર્ષોમાં તેઓ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન નદીમાં કરતા હતા. પરંતુ વિસર્જન દરમિયાન અનેક મૂર્તિઓ નદીમાં જળમાં તૂટી જતી અને લોકોના પગ નીચે આવતી હોવાનો અનુભવ તેમને થયો. ગણપતિજીની મૂર્તિ લોકોના પગ નીચે આવે અને તેનું અપમાન થાય તે વાતથી તેમને ખૂબ દુઃખ થયું. આ અનુભવ બાદ તેમણે પર્યાવરણ અને ગણપતિજી પ્રત્યેની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને ઘરે જ માટીની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનો અને ઘરે જ વિસર્જન કરવાનો નિર્ણય લીધો.

ત્યારથી તેઓ દર વર્ષે પોતાના ઘરે કુદરતી માટીમાંથી ગણપતિજીની મૂર્તિ તૈયાર કરે છે. સ્થાપના બાદ ઘરે જ પાણીમાં વિસર્જન કરીને તે માટીનો ઉપયોગ છોડ-વૃક્ષોમાં કરવાની પરંપરા પણ જાળવી રાખે છે. આ રીતે ગણેશોત્સવની આસ્થા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવે છે.
પૂજા નંદેરિયા માત્ર પોતાના પરિવાર પૂરતી આ પ્રવૃત્તિ મર્યાદિત રાખતા નથી. છેલ્લા 11 વર્ષ દરમિયાન તેમણે 1,000થી વધુ લોકો અને બાળકોને પોતાના હાથે માટીની ઈકો-ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિ બનાવવાની કળા નિઃશુલ્ક શીખવી છે. બાળકોમાં સર્જનાત્મકતા સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે તેઓ ખાસ પ્રોત્સાહિત કરે છે.

તેમનો ઉદ્દેશ છે કે લોકો પ્લાસ્ટર ઓફ પેરિસ અને અન્ય પર્યાવરણને નુકસાન પહોંચાડતી મૂર્તિઓના બદલે માટીમાંથી ઘરે જ ગણપતિજીની મૂર્તિ બનાવે અને ઘરે જ વિસર્જન કરે. આ માટે તેઓ સતત લોકજાગૃતિ ફેલાવી લોકોને ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવવા માટે પ્રેરણા આપે છે.આ ઉપરાંત, કેલાદેવી મંદિર, સંસ્કૃતિ ખાતે પણ તેમણે હાથથી બનાવેલી ઈકો-ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિ અર્પણ કરી હતી, જેના માધ્યમથી પર્યાવરણમૈત્રી ગણેશોત્સવનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
પૂજા નંદેરિયાની આ 11 વર્ષની પર્યાવરણમૈત્રી પહેલનો સંદેશ સ્પષ્ટ છે કે “ભક્તિ પણ જળવાય અને પ્રકૃતિ પણ બચી રહે.” ગણપતિજી પ્રત્યેની શ્રદ્ધા સાથે પર્યાવરણનું જતન કરીને ગણેશોત્સવ ઉજવવાની તેમની પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે.
પૂજા નંદેરિયા સૌને અપીલ કરે છે કે “આપણે પણ આ મહિમામાં જોડાઈએ, લોકોને પ્રેરણા આપીએ અને કુદરતનું જતન કરીએ.ગણપતિજી પ્રત્યેની આપણી ભક્તિ સાથે પર્યાવરણની જવાબદારી પણ નિભાવીએ. આવો, આ ગણેશોત્સવે માટીની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ બનાવીએ, ઘરે જ વિસર્જન કરીએ અને સ્વચ્છ તથા હરિયાળી પ્રકૃતિના સંરક્ષણમાં આપણું યોગદાન આપીએ.”


