અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગુરુવારથી એનાલોગ ડેરી પ્રોડેક્ટ્સ પરના પ્રતિબંધનો અમલ કરવામાં આવ્યો હતો ત્યારે શહેરમાં કેટલીક જગ્યાએ હજી પણ એનાલોગ પનીરનું વેચાણ કરવામાં આવતું હોવા ના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરી અને પનીરના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના કુબેરનગર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવતા પનીર અને માખણના યુનિટ એવા રાજેશ દૂધ ઘરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફુડ વિભાગ દ્વારા પનીર લેવામાં આવ્યું હતું અને તેને ચેક કરવામાં આવ્યું હતું, જેમાં દૂધમાંથી બનતું હોવાનું પ્રાથમિક રીતે જોવા મળ્યું હતું. જોકે, ફૂડ વિભાગ દ્વારા ત્યાંથી સેમ્પલ લેવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. નારણપુરા વિસ્તારમાં અંકુર ચાર રસ્તાથી સ્વામિનારાયણ મ્યુઝિયમ તરફ જવાના રોડ પર આવેલી શ્રીજી ડેરી પાર્લરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફુડ વિભાગની ટીમને પનીરના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે 6 ઓગસ્ટના રોજ અલગ અલગ વિસ્તારોમાં ડેરી પ્રોડક્ટની દુકાનો અને ગોડાઉનમાં એનાલોગ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 22 જેટલા પનીરના નમુના લેવામાં આવ્યા છે.
અમદાવાદમાં છેલ્લા 6 માસ દરમિયાન ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ 2006 અન્વયે 218 પનીરના નમુનાઓ લેવામાં આવેલ છે. જે પૈકી 57 જેટલા નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે, જેમાં 23 પનીરના નમુનાઓમાં એનાલોગ મળી આવેલ છે. 34 નમુનાઓમાં મિલ્ક ફેટ વધુ કે ઓછું મળી આવ્યું છે. આ તમામ કેસોમાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ 2006 અન્વયેની કલમ 51,52 હેઠળ એડજ્યુડીકેટીંગ ઓફિસર સમક્ષ કેસો દાખલ કરવામાં આવેલ છે. જેમાં આ કેસોમાં 5 લાખ સુધીની દંડની જોગવાઇ છે.
સમગ્ર રાજ્યની વાત કરીએ તો, આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં લગભગ 134 જેટલા વેચાણના એકમોનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું અને લગભગ 1053 કિલોગ્રામ જેટલા એનાલોગ્સ પ્રોડેક્ટ્સનો નાશ કરવામાં આવ્યો હતો, જેની કિંમત અંદાજિત 2,82,550 થતી હોવાની માહિતી મળી છે. આ સાથે 29 નમૂના પરિક્ષણ માટે લેવાયા હોવાની માહિતી પણ મળી હતી.
ધંધા સાથે સંકળાયેલ ખાતે એનાલોગનું ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ બાબતે સતત ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. ચેકીંગ દરમ્યાન કોઇ પણ શખસો/ એકમો શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરતા જણાશે કે એનાલોગ મળી આવશે તો તેમની સામે FSSAI / GPMC એક્ટ અંતર્ગત યુનિટ સીલ તેમજ કેસ દાખલ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં પનીરના ધંધા સાથે સંકળાયેલ તમામ ઉત્પાદકો, વિક્રેતાઓ, હોલસેલરો, રેસ્ટોરન્ટ, હોટલ, કેટરર્સ તથા અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટરોને તાકીદ કરવામાં આવે છે, કે જો કોઇ સ્થળે મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગનો ઉપયોગ થતો જણાશે તો ધંધાના સ્થળનું લાયસન્સ રદ કરવાની, યુનિટ સીલ કરવાની તેમજ એડજ્યુડીકેટીંગ ઓફિસર / કોર્ટ સમક્ષ કેસ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.


